મધુબન ડેમના ૮ દરવાજા ખોલાયા
- byDamanganga Times
- 23 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૨ ઃ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કરાડગામ ખાતે દમણગંગા નદી પર આવેલા મધુબન ડેમના ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક નોંધપાત્ર રીતે વધી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મધુબન ડેમના ૮ દરવાજા ૪ મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં અંદાજે ૧,૫૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતા દમણગંગા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. જેના કારણે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, ઉમરગામ તથા વાપી તાલુકાના નદીકાંઠાના ગામોના રહેવાસીઓને સતર્ક રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. તંત્રઍ નદીકાંઠે માછીમારી કરવા, પશુઓને ચરાવવા તેમજ અનાવશ્યક રીતે નદીના પટમાં કે કિનારે જવાનું ટાળવા અપીલ કરી છે. ઉપરાંત બપોર બાદ ડેમમાંથી વધુ પાણી છોડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. જિલ્લા વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્નાં છે અને જરૂરી હોય ત્યાં સ્થાનિક તંત્રને ઍલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
