વાપી મનપાની કારોબારી બેઠક આવતી કાલે
- byDamanganga Times
- 22 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ વાપી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની માસિક બેઠક ૨૩ ૭ ૨૦૨૬ ને ગુરૂવારના રોજ ચેરમેન સતીશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાશે. બેઠકમાં રાજ્ય સરકારના પરિપત્ર મુજબ મહાનગરપાલિકાના કોર્પોરેટરોના માનદ વેતન અને ભથ્થાની જોગવાઈ અંગે વિચારણા કરવામાં આવશે. વાપી મનપા પણ પોતાના સૂચનો સરકાર સમક્ષ રજૂ કરશે.
આ ઉપરાંત શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર નિયમોનો ભંગ કરનાર સામે દંડની જોગવાઈ અંગે પણ નિર્ણય લેવામાં આવશે. ચોમાસાની ઋતુ દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોનો -કોપ ન વધે તે માટે જરૂરી પગલાં અંગે ચર્ચા થશે. તાજેતરમાં વાપી વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો અને અંડરપાસમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા, ભવિષ્યમાં ઍકસાથે ભારે વરસાદ પડે ત્યારે વરસાદી પાણીનો ઝડપી નિકાલ કેવી રીતે કરવો તે અંગે પણ આયોજન પર વિચારણા કરવામાં આવશે. બેઠકમાં જનભાગીદારી યોજનાના અંતર્ગત સોસાયટીઓમાં પેવર બ્લોક સહિતના વિકાસકાર્યોને મંજૂરી આપવા અંગેના પ્રસ્તાવો પણ રજૂ કરવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન સતીશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ કોર્પોરેટરોના ભથ્થા સહિતના મુદ્દાઓ પર સભ્યોના સૂચનો અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. શહેરના હિતને ધ્યાનમાં રાખીને બેઠકમાં અનેક મહત્વપૂર્ણ ઠરાવો મંજૂર થવાની સંભાવના છે.
