Damanganga Times.

Damanganga Times.

July 21, 2026

દાદરા મુક્તિ દિન નિમિત્તે બુધવારે શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે

દાદરા મુક્તિ દિન નિમિત્તે બુધવારે શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૦ ઃ દાદરા મુક્તિ દિવસની ૭૨મી વર્ષગાંઠ નિમિત્તે ૨૨ જુલાઈ, ૨૦૨૬ના રોજ દાદરા ખાતે શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સવારે ૯ વાગ્યે શરૂ થશે, જેમાં દાદરા સહિત સમગ્ર વિસ્તારના નાગરિકોને મોટી સંખ્યામાં હાજરી આપવા અપીલ કરવામાં આવી છે. ૨૨ જુલાઈ, ૧૯૫૪ના રોજ સ્વાતંત્ર્ય સેનાનીઓ ફ્રાન્સિસ મસ્કરોનાસ અને વામન દેશાઈના નેતૃત્વમાં દાદરાની પોર્ટુગીઝ પોલીસ ચોકી પર સાહસિક અભિયાન ચલાવી તેને પોતાના કબજામાં લેવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય તિરંગો ફરકાવી દાદરાને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક ઘટના દાદરા અને નગર હવેલીની મુક્તિ સંઘર્ષનો પ્રથમ સુવર્ણ અધ્યાય બની હતી. આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા માટે શહીદ સ્મારક, જૂના પંચાયત ઘરની નજીક, દાદરા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમ દરમિયાન દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે તેમજ તેમના શૌર્ય અને રાષ્ટ્રપ્રેમને નમન કરવામાં આવશે. આયોજકો દ્વારા  દાદરાના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.