દિલ્હીથી દમણની ફલાઈટને હવામાનને કારણે લેન્ડિગમાં અડચણ
- byDamanganga Times
- 21 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૦ ઃ દિલ્હીથી દમણ જતી ઍલાયન્સ ઍરની ફલાઇટ ૯ત્-૮૧૧ સોમવારે સવારે ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતાને કારણે દમણ ઍરપોર્ટ પર લેન્ડ કરી શકી ન હતી. પાયલોટે બે વાર સલામત ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રતિકૂળ હવામાનને કારણે ફલાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, ફલાઇટ સોમવારે સવારે લગભગ ૬ઃ૩૦ વાગ્યે દિલ્હીથી આશરે ૪૦ મુસાફરો સાથે રવાના થઈ હતી. વિમાન સવારે લગભગ ૯ઃ૦૦ વાગ્યે દમણ પહોંચ્યું હતું, પરંતુ ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતાને કારણે સલામત ઉતરાણ થઈ શક્યું ન હતું. પાઇલટે સલામતીને પ્રાથમિકતા આપતા ફલાઇટને અમદાવાદ ડાયવર્ટ કરી હતી. અમદાવાદ પહોંચ્યા પછી, મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા અને ફલાઇટ રદ કરવામાં આવી હતી. નોંધનીય છે કે દમણ અને દિલ્હી વચ્ચે સીધી હવાઈ સેવા તાજેતરમાં શરૂ કરવામાં આવી હતી. ખરાબ હવામાનને કારણે થયેલા વિક્ષેપને કારણે મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો.
