દાંડવડમાં બે વર્ષથી પાણીની ટાંકીનું કામ અધૂરું
- byDamanganga Times
- 20 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૯ ઃ ધરમપુર તાલુકાના અંતરિયાળ દાંડવડ ગામમાં ગ્રામજનોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે વાસ્મો દ્વારા ઉભી કરવામાં આવી રહેલી સિમેન્ટ કોન્ક્રીટની પાણીની ટાંકીનું કામ છેલ્લા બે વર્ષથી અધૂરું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. લાંબા સમયથી કામગીરી પૂર્ણ ન થતાં ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ગામમાં પાણી પહોંચાડવા માટે પાઇપલાઇનનું કામ પૂર્ણ કરી વિવિધ સ્થળોઍ નળની ચકલીઓ પણ લગાવવામાં આવી છે. જોકે, પાણીની ટાંકીનું કામ પૂર્ણ ન થતાં આજદિન સુધી ગ્રામજનોને આ નળની સુવિધાનો લાભ મળી શક્યો નથી.
ઉનાળા તેમજ ચોમાસા દરમિયાન પણ પાણીની સમસ્યા યથાવત રહેતા ગ્રામજનોને પીવા તેમજ ઘરવપરાશ માટે પાણી મેળવવા માટે ગામથી બે કિલોમીટરથી વધુ દૂર આવેલા કૂવામાંથી પાણી લાવવાની ફરજ પડી રહી છે. જેના કારણે ખાસ કરીને આદિવાસી મહિલાઓ અને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે.
દાંડવડ ગામમાં ૧૦૦૦થી વધુ આદિવાસી વસ્તી વસવાટ કરે છે. આઝાદીના દાયકાઓ બાદ પણ અંતરિયાળ વિસ્તારમાં ગ્રામજનોને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા માટે સંઘર્ષ કરવો પડે છે તે ગંભીર બાબત છે.
ગ્રામજનોઍ સંબંધિત તંત્ર સમક્ષ માંગ કરી છે કે વાસ્મો દ્વારા બનાવવામાં આવી રહેલી પાણીની ટાંકીનું બાકી રહેલું કામ વહેલી તકે પૂર્ણ કરી પાઇપલાઇન મારફતે નિયમિત પાણી પુરવઠો શરૂ કરવામાં આવે, જેથી ગામની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે અને આદિવાસી મહિલાઓને દૂરથી પાણી લાવવાની હાલાકીમાંથી મુક્તિ મળી શકે.
