કપરાડાના અંતરિયાળ ગામોમાં નેટવર્કનો હજુ અભાવ
- byDamanganga Times
- 20 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૧૯ ઃ કપરાડા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ આદિવાસી વિસ્તારોમાં વર્ષોથી મોબાઇલ નેટવર્કની સમસ્યા યથાવત રહેતા હજારો ગ્રામજનોને સરકારી ઓનલાઈન સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. સરકારની વિવિધ યોજનાઓ માટે ફરજિયાત ઇ-કેવાયસી, આધાર અપડેટ અને મોબાઇલ નંબર લિંકિંગ જેવી કામગીરી માટે લોકોને નેટવર્કની શોધમાં ડુંગરો ચઢવા અથવા ધરમપુર, પારડી અને વલસાડ સુધી જવાની ફરજ પડી રહી છે.
કપરાડા તાલુકાના માની, ચીચપાડા, ટોકરપાડા, બોરપાડા, પાંચવેરા, પીપરોટી, રાહોર, ઘોટણ, ભોવાડા, જાગેરી, નાંદગામ, મોટી પલસાણ, સર્વરટાટી, સિંગાટાટી, ઘાનવેરી, માલૂંગી, કેતકી, ઉમલી, ટીસ્કરી જંગલ, વારોલી જંગલ, ચેપા, બ્રાહ્મણવાડા, સુલીયા, ટીટુમાળ, તેરી ચીખલી અને રોહયાળ જંગલ સહિતના અનેક ગામોમાં નેટવર્કના અભાવે ડિજિટલ સેવાઓનો લાભ મેળવવો મુશ્કેલ બન્યો છે. રેશનકાર્ડની ઇ-કેવાયસી, આધારકાર્ડમાં સુધારા અને અન્ય ઓનલાઈન પ્રક્રિયાઓ માટે ગ્રામજનોને લાંબા અંતર સુધી જવું પડે છે. વિદ્યાર્થીઓને પણ પ્રવેશ અને શિષ્યવૃત્તિ જેવી પ્રક્રિયાઓ માટે આધાર સંબંધિત કામગીરી કરાવવી પડતી હોવાથી સમય અને નાણાંનો વધારાનો ખર્ચ સહન કરવો પડે છે.
મોબાઇલ નેટવર્કની સમસ્યાથી ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા તલાટી સહિતના સરકારી કર્મચારીઓની ઓનલાઈન કામગીરી પણ પ્રભાવિત થઈ રહી છે. પરિણામે વિવિધ સરકારી યોજનાઓના કામોમાં પણ વિલંબ થતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે ઍક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્કના અભાવે લોકો મૂળભૂત સરકારી સેવાઓ મેળવવા માટે પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્ના છે. ગ્રામજનોઍ સરકાર અને ટેલિકોમ કંપનીઓને તાત્કાલિક નવા મોબાઇલ ટાવર સ્થાપી સ્થિર નેટવર્ક સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે.
