ધરમપુર ઍસ.ટી. ડેપોમાં શૌચાલય બંધ થતાં મુસાફરોને હાલાકી
- byDamanganga Times
- 20 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૧૯ ઃ ધરમપુર ઍસ.ટી. બસ ડેપો ખાતે પાણીની મોટર બળી જવાના કારણે શૌચાલયમાં પાણીની સુવિધા ખોરવાતા તેના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક મુસાફરોને લઘુશંકા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેની જાણ થતાં સ્થાનિક પત્રકારો સ્થળ પર પહોંચ્યા હતા. પત્રકારો સ્થળ પર પહોંચતા સફાઈ કામદાર દ્વારા શૌચાલયના બંધ દરવાજા ખુલ્લા કરાયા હતા જેથી મુસાફરોઍ રાહત અનુભવી હતી. જોકે, હાલ માત્ર લઘુશંકા માટે શૌચાલયની સુવિધા શરૂ કરવામાં આવી છે, જ્યારે પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી અન્ય ઉપયોગ માટે શૌચાલયની સંપૂર્ણ સુવિધા હજુ શરૂ થઈ નથી. મળતી માહિતી મુજબ, પાણીની મોટર બળી જવાથી શૌચાલયમાં પાણી આવતું ન હોવાથી દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. હવે જોવાનું રહ્નાં કે ઍસ.ટી. ડેપોના મેનેજર સહિતનું તંત્ર બળી ગયેલી પાણીની મોટરને ક્યારે દુરસ્ત કરાવી શૌચાલયની સંપૂર્ણ સુવિધા પુનઃ શરૂ કરે છે. મુસાફરોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક પાણીની મોટરનું સમારકામ કરાવી શૌચાલયની સંપૂર્ણ સુવિધા શરૂ કરવામાં આવે, જેથી મુસાફરોને મૂળભૂત સુવિધા માટે હાલાકી ભોગવવી ન પડે.
