વલસાડમાં ઈંડાની લારી હટાવવા બાબતે બે જૂથો વચ્ચે મારામારી
- byDamanganga Times
- 20 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૯ ઃ વલસાડ ના કલ્યાણ બાગ પાસે ઈંડાની લારી પાર્ક કરવા બાબતે બોલાચાલી બાદ જોતજોતામાં ધારદાર કોઇતા જેવા હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. વલસાડના કલ્યાણ બાગ બાજુમાં આવેલ જગ્યામાં રસુલ નામનો ઍક વ્યક્તિ પોતાની મોટરસાયકલ પાર્ક કરીને ઈંડાની લારી કાઢવા જઈ રહ્ના હતો. તે સમયે ત્યાં નજીકમાં આવેલી દરગાહમાંથી બહાર આવેલી ઍક મહિલાઍ તેને લારી અન્ય જગ્યાઍ ખસેડવા માટે જણાવ્યું હતું. આ સામાન્ય બાબતને લઈને બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલી દરમિયાન રસુલ ઉશ્કેરાઈ ગયો અને તેણે પોતાની બાઇકમાં રાખેલો ધારદાર કોયતો બહાર કાઢી મહિલા તરફ ધસી ગયો હતો. જાહેર રસ્તા પર મહિલા પર હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ થતાં જ આસપાસના લોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટના દરમિયાન મહિલાના બે પુત્રો, સુફિયાન ભુરીયા અને અરશદ ભુરીયા દરગાહમાંથી દોડીને બહાર આવ્યા હતા. પોતાની માતા સાથે થઈ રહેલા ઝઘડા અને હુમલાના પ્રયાસને જોઈને રોષે ભરાયેલા બંને યુવકોઍ રસુલ સાથે હાથાપાઈ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ મામલો વધુ બિચક્યો હતો. આ હિંસક ઘટનાની જાણ થતાં જ વલસાડ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો પોલીસે મારામારી અને હંગામો મચાવવા બદલ સંડોવાયેલા શખ્સો રસુલ, સુફિયાન ભુરીયા અને અરશદ ભુરીયાની અટકાયત કરી છે. ત્રણેયને વધુ પૂછપરછ માટે પોલીસ મથકે લઈ જઈ તપાસ હાથ ધરવામાં આવી છે.
