Damanganga Times.

Damanganga Times.

July 20, 2026

દમણમાં સાયબર ક્રાઈમના બે આરોપી દિલ્હીથી ઝડપાયા

દમણમાં સાયબર ક્રાઈમના બે આરોપી દિલ્હીથી ઝડપાયા


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૯ ઃ દમણના કચીગામ પોલીસ સ્ટેશને આંતરરાજ્ય સાયબર છેતરપિંડીના મોટા રેકેટનો પર્દાફાશ કરી દિલ્હીમાંથી ૨ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. વીમા પોલિસી બંધ કરવાના બહાને દમણના ઍક રહેવાસી અને તેની પુત્રી સાથે ૫,૩૯,૧૯૪ રૂપિયાની છેતરપિંડી કરવાના ગુનામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. કાચીગામના રહેવાસીની ફરિયાદના આધારે તા.૧૦/૦૬/૨૦૨૬ના રોજ જ્ત્ય્ નં.૩૦/૨૦૨૬ નોંધવામાં આવી હતી.
ફરિયાદ મુજબ માર્ચથી મે ૨૦૨૬ દરમિયાન પીડિતોને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યા હતા. સામેવાળા વ્યક્તિઓઍ પોતાને ‘ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ઈન્સ્યોરન્સ’ના ઍક્ઝિક્યુટિવ તરીકે ઓળખાવી હાલની વીમા પોલિસી બંધ કરવામાં મદદ કરવાની લાલચ આપી હતી. વિશ્વાસમાં લઈને આરોપીઓઍ છેતરપિંડીભર્યા ઓનલાઈન પેમેન્ટ લિંક મોકલ્યા અને ફરિયાદી તથા તેની પુત્રી પાસેથી કુલ ૫,૩૯,૧૯૪ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા. પૈસા મળ્યા બાદ આરોપીઓઍ ફોન બંધ કરી તમામ સંપર્ક તોડી નાખ્યો હતો.
કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાચીગામ પોલીસ સ્ટેશનના અનિલકુમાર ટી.કે.ના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ બનાવવામાં આવી. ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ નંબરના ઍનાલિસિસ બાદ આરોપીઓનું લોકેશન દિલ્હીના રમેશ નગર વિસ્તારમાં મળ્યું હતું.
દમણ પોલીસની ટીમ તાત્કાલિક દિલ્હી પહોંચી અને દરોડા પાડીને બે આરોપીઓ નઝર અબ્બાસ ઉ.વ.૪૦, રહે. ઈન્દિરા વિહાર, કરવલ નગર, ઉત્તર-પૂર્વ દિલ્હી અને હિમાંશુ કુમાર પાંડે ઉ.વ.૨૨, રહે. ગોલ કટરા, પદમ નગર, સરાય રોહિલ્લા, નવી દિલ્હીની ધરપકડ કરી. પ્રાથમિક પૂછપરછમાં બંનેઍ ગુનો કબૂલ્યો હતો. દિલ્હી કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને બંને દમણ લાવવામાં આવ્યા છે.
પોલીસે ઘટનાસ્થળેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ ફોન અને અનેક વીમા પોલિસીધારકોની ગુ વિગતો ધરાવતા રજિસ્ટર પણ કબજે કર્યા છે. તપાસમાં ખુલાસો થયો કે મુખ્ય આરોપી નઝર અબ્બાસ (ઉ.વ. ૪૦) દિલ્હીમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવી દેશભરના નાગરિકોને નિશાન બનાવતો હતો. તેની સામે અગાઉ પણ કેસ નોંધાયેલા છે. ડિસેમ્બર ૨૦૨૫માં સરાય રોહિલ્લા પોલીસે શાસ્ત્રી નગરના કોલ સેન્ટર પર દરોડા પાડી ૩૨ લોકોની ધરપકડ કરી હતી. ત્યારબાદ તા. ૦૫/૦૬/૨૦૨૬ના રોજ પણ બીજો દરોડો પડ્યો હતો. પરંતુ અબ્બાસે પોતાનું કામ રમેશનગરમાં શરૂ કરીને ફરી છેતરપિંડી ચાલુ રાખી હતી.
હાલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. આ રેકેટના વધુ સભ્યો, બેંક ખાતા અને અન્ય પીડિતોને શોધવા માટે તપાસ ચાલુ છે. દમણ પોલીસે નાગરિકોને અજાણ્યા નંબરથી આવતા વીમા સંબંધિત કોલ અંગે સાવધાન રહેવા અપીલ કરી છે.