કપરાડામાં વરસાદનો બીજા રાઉન્ડ : ડાંગરની રોપણી શરુ
- byDamanganga Times
- 20 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા. ૧૯ ઃ ચોમાસાના પ્રથમ તબક્કા બાદ વરસાદમાં પડેલા વિરામને કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા. જોકે હવે કપરાડા તાલુકામાં બીજા રાઉન્ડનો સારો વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ફરી આશાનું કિરણ જાગ્યું છે. વરસાદના આગમન સાથે જ ડાંગરની રોપણીની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ખેતરોમાં ફરીથી કૃષિ પ્રવૃત્તિઓ ધમધમતી જોવા મળી રહી છે.
પ્રથમ વરસાદ બાદ ખેડૂતો દ્વારા ડાંગર સહિતના પાકોની વાવણી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા પાકના વિકાસ અંગે ચિંતા ઉભી થઈ હતી. છેલ્લા બે દિવસથી તાલુકાના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા ખેતરોમાં પૂરતું પાણી ભરાઈ ગયું છે. જેના કારણે ખેડૂતો હવે પરિવારના સભ્યો અને મજૂરો સાથે રોપણીના કામમાં વ્યસ્ત બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે આ વરસાદ સમયસર પડ્યો હોવાથી ડાંગરના પાકને મોટો ફાયદો થશે અને ઉત્પાદન સારું મળવાની આશા વધી છે. સાથે જ અન્ય ખરીફ પાકોને પણ આ વરસાદ લાભદાયી બનશે.
કપરાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ જ્યાં નજર કરો ત્યાં ખેતરોમાં ખેડૂતો રોપણી કરતા જોવા મળી રહ્ના છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને કૃષિ આધારિત અર્થતંત્ર ધરાવતા વિસ્તારના લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.
ખેડૂતોઍ આગામી દિવસોમાં પણ નિયમિત અને સારો વરસાદ રહે તેવી આશા વ્યક્ત કરી છે, જેથી સમગ્ર ખરીફ સિઝન સફળ બને અને ખેડૂતોને સારો પાક તથા યોગ્ય આવક પ્રા થઈ શકે.
