પારનેરા ગામે બિલ્ડર માટે સરકારી જમીન પર રોડ પહોળો કર્યાની રાવ
- byDamanganga Times
- 18 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૧૭ ઃ વલસાડ તાલુકાના પારનેરાના મુખ્ય રસ્તા પર આવેલ અશોક વાટિકાથી સ્વસ્તિક વિલા તરફ જતા માર્ગ પર આવેલી સરકારી ગૌચર જમીન સર્વે નંબર ૩૧૦ અને ૩૧૧ માં ઍક ખાનગી બિલ્ડરને કરોડો રૂપિયાનો ફાયદો કરાવી આપવાના આશયથી, સ્થાનિક તંત્ર અને રહીશોની જાણ બહાર બળજબરીપૂર્વક રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરાતાં કલેકટર અને ગ્રામ પંચાયતમાં લેખિત ફરિયાદ કરી છે.
જાગૃત નાગરિક દ્વારા ગ્રામ પંચાયત, કલેકટરમાં લેખિત રજૂઆતઆ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પારનેરાના જાગૃત નાગરિક વિરેન્દ્રભાઈ વિનોદભાઈ શોભા દ્વારા પારનેરા પારડી જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટી-કમ-મંત્રીને સંબોધીને ઍક લેખિત અરજીમાં જણાવ્યા અનુસાર, અશોકવાટીકાથી સ્વસ્તિક વિલા તરફ જતા રસ્તા પર ખેડૂતોને પૂછ્યા વગર પોતાની જમીનમાં આવેલી વાળ તોડી પાડીને ગેરકાયદેસર ખોદકામ શરૂ કરી દેવાયું છે. આ રસ્તો કઈ પંચાયતની ગ્રાન્ટમાંથી બની રહ્ના છે અને સરકારી કે ગૌચર જમીન પર કયા નિયમો હેઠળ બનાવવામાં આવી રહ્ના છે તેની સંપૂર્ણ તપાસ કરી કામ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માંગ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ગ્રામ પંચાયતમાં લેખિત ફરિયાદ થતાં જ પારનેરા પારડી ચીચવાડા જૂથ ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી દ્વારા તાત્કાલિક અસરથી સંબંધિત જમીન માલિક ને કાયદેસરની નોટિસ ફટકારીને દિન-૩ માં ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે લેખિત ખુલાસો માંગ્યો છે. જાકે પારનેરા પારડી ચિચવાડા જૂથ ગ્રામપંચાયતે સ્થાનિક લોકોની ફરિયાદોના આધારે ગત ૪ જુલાઈ અને ૧૫ જુલાઈઍ પંચાયત દ્વારા જાહેર નોટિસ આપવામાં આવી હતી પરંતુ આ નોટિસમાં કોઈના પણ નામ જોગ આપવાને બદલે માત્ર ઍક વીજળીના થાંભલા પર ચોંટાડી દેવામાં આવી હતી. સરકારી નિયમો અનુસાર વહીવટી નોટિસ આપવાની સત્તા તલાટી કમ મંત્રીની હોય છે પરંતુ આ જાહેર નોટિસ તલાટીના બદલે સીધી સરપંચ દ્વારા આપવામાં આવતા પંચાયતના વહીવટ સામે અનેક સવાલો ઊભા થયા છે.
