શિલ્ધાના ત્રણ પુલ પાણીમાં ગરકાવ
- byDamanganga Times
- 18 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા.૧૭ ઃ કપરાડા તાલુકાના સિલ્ધા ગામના પટેલ ફળિયામાં આવેલી ચવેચા નદી પરનો કોઝવે પુલ ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સતત વરસેલા વરસાદને પગલે ચવેચા નદીમાં પાણીનો પ્રવાહ વધતાં પુલ પરથી પાણી ફરી વળ્યું હતું, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. ચવેચા નદી આગળ જઈને કોલક નદીમાં મળી જતાં ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે નદીનું જળસ્તર ઝડપથી વધ્યું હોવાનું સ્થાનિકોઍ જણાવ્યું હતું.
પુલ પર પાણી ફરી વળતાં પટેલ ફળિયા સહિત આસપાસના કુલ સાત ફળીયાના લોકોનો મુખ્ય માર્ગ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.આ ઉપરાંત ગામના બીજા બે કોઝવે પાણીમાં ગરક થતા ગ્રામજનોને રોજિંદા કામકાજ, વિદ્યાર્થીઓને શાળા-કોલેજમાં જવા તેમજ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીનો પ્રવાહ ઓછો થાય ત્યાં સુધી અનેક લોકોને કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી હતી. સ્થાનિક ગ્રામજનોઍ જણાવ્યું હતું કે, દર ચોમાસામાં આ કોઝવે પુલ પાણીમાં ગરકાવ થવાથી આવી જ સ્થિતિ સર્જાય છે. તેથી હાલના કોઝવે પુલને બદલે ઊંચાઈ ધરાવતો નવો પુલ બનાવવામાં આવે તો વરસાદી મોસમ દરમિયાન સાતેય ફળીયાના લોકોને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો ન પડે. ગ્રામજનોઍ રાજ્ય સરકાર અને સંબંધિત તંત્રને આ દિશામાં વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
