વલસાડની ઔરંગાના ડ્રેજિંગ માટે સર્વે શરુ
- byDamanganga Times
- 18 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૭ ઃ ચોમાસા દરમિયાન વલસાડ પંથકમાં પૂરની સમસ્યાથી કાયમી છુટકારો અપાવવા માટે વહીવટી તંત્ર દ્વારા ઍક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. વર્ષોથી કાંપ જમા થવાને કારણે ચોમાસામાં પૂરનું સંકટ ઊભું કરતી ઔરંગા નદીના ડ્રેજિંગ માટે ગાંધીનગરથી ઍક વિશેષ સર્વે ટીમ વલસાડ આવી પહોંચી છે. ગાંધીનગરથી આવેલી ઉચ્ચ અધિકારીઓની સર્વે ટીમે ઔરંગા નદીના કિનારાના વિસ્તારોની મુલાકાત લીધી હતી. ટીમે નદીની વર્તમાન સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી, ડ્રેજિંગની કામગીરી કઈ રીતે હાથ ધરી શકાય તે અંગેનો પ્રાથમિક સર્વે શરૂ કર્યો છે.
સર્વેની કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. ગ્રામજનોઍ અધિકારીઓ સમક્ષ આક્રોશ અને ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું. નદીમાં વર્ષોથી મોટા પ્રમાણમાં કાંપ જમા થઈ ગયો છે, જેના કારણે નદીની જળસંગ્રહ ક્ષમતા ઘટી ગઈ છે.
દર ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થતાં જ નદી કિનારાના ગામોમાં પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. લોકોના માલ-સામાન અને ખેતીને વ્યાપક નુકસાન થાય છે, તેથી નદીને તાત્કાલિક ઊંડી કરી ડ્રેજિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે, ગ્રામજનોની આ ન્યાયી માંગને વલસાડના ધારાસભ્ય ભરત પટેલે પણ પૂરતો ટેકો આપ્યો હતો. તેમણે સ્થળ પર હાજર રહીને સ્થાનિકોની રજૂઆતો ગંભીરતાથી સાંભળી હતી અને ગાંધીનગરથી આવેલા સંબંધિત અધિકારીઓ સમક્ષ આ બાબતે અસરકારક રજૂઆત કરી હતી. ધારાસભ્ય ભરત પટેલે અધિકારીઓને સ્પષ્ટ જણાવ્યું હતું કે, ૅલોકોની સુરક્ષા અને આ સમગ્ર વિસ્તારના હિતને ધ્યાનમાં રાખીને ડ્રેજિંગ અંગેની જરૂરી પ્રક્રિયા અને વહીવટી કાર્યવાહી ખૂબ જ ઝડપથી હાથ ધરવી અનિવાર્ય છે.ગાંધીનગરની ટીમ દ્વારા સર્વે હાથ ધરાયા બાદ અને સ્થાનિક ધારાસભ્યની સક્રિયતાને કારણે ગ્રામજનોમાં ઍક આશાની કિરણ જાગી છે. હવે જોવાનું ઍ રહેશે કે સંબંધિત વિભાગ અને સરકાર દ્વારા આ ડ્રેજિંગ પ્રોજેક્ટ અંગે આગામી દિવસોમાં શું આખરી નિર્ણય લેવામાં આવે છે અને ક્યારે પ્રત્યક્ષ કામગીરી શરૂ થાય છે.
