ગણદેવી ભાટમાં શ્રમજીવીના શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલાયો
- byDamanganga Times
- 17 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૧૬ ઃ ગણદેવીના ભાટ ગામે કામ કરતા ઝારખંડના ઍક યુવાન શ્રમજીવીનો બુધવારે ભેદી હાલતમાં મૃતદેહ મળવાની ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. ધોલાઈ મરીન પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હત્યાના ગુનામાં સંડોવાયેલા ઓરિસ્સાના બે સાથી શ્રમજીવીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ગણદેવી ભાટ ગામે રહેતા કૌશાંક ઈશ્વરભાઈ ટંડેલ (૩૭) ના ઝીંગા ઉછેરના તળાવ પર ઝારખંડનો વતની નિમંત જેમ્સ તીર્કી (૨૪) મજૂરી કામ કરતો હતો. બુધવારે મધ્યરાત્રિઍ આશરે ૨ઃ૦૦ વાગ્યે તળાવના સુપરવાઈઝર ધર્મેન્દ્રકુમારે તળાવ માલિક કૌશાંક ટંડેલને ફોન પર જાણ કરી હતી કે નિમંત તળાવના આઉટલેટ ગરનાળાના પાણીમાં પડી ગયો છે. નિમંતને પાણીમાંથી બહાર કાઢી તાત્કાલિક ખાનગી વાહનમાં બીલીમોરાની મેંગુશી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
ધોલાઈ મરીન પોલીસે શરૂઆતમાં આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મૃતકના શરીર પર ઉઝરડાના નિશાન હોવાથી પોલીસે પેનલ ડોક્ટરોની ટીમ પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પીઍમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે મૃતક નિમંતના માથાના ડાબી બાજુઍ ગંભીર આંતરિક ઈજાઓ થવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ શંકાસ્પદ ઈજાઓ મામલે પોલીસે ત્યાં કામ કરતા અન્ય મજૂરોની પૂછપરછમાં મૃતક નિમંત તીર્કી અને આરોપીઓ વચ્ચે છેલ્લા ચાર દિવસથી જમવા બાબતે ઝગડો ચાલતો હતો. મંગળવાર રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યે જમવા બાબતે ફરી ઝગડો ઉગ્ર બનતા આરોપી માનજાનજાન ઉર્ફે કિશોર ઈનેમ બુરહે નિમંતના માથામાં લાકડાનો ફટકો મારી દીધો હતો, જ્યારે બીજા આરોપી બૈસાખુ ફાગુ બાડાઈકે તેને ઢીકમુક્કીનો માર માર્યો હતો. જેને કારણે નિમંત બેભાન થઈ જતાં બંને આરોપીઓઍ તેને રૂમની બહાર ઢસડીને નજીકના ગરનાળાના પાણીમાં ફેંકી દીધો હતો જેથી આ ઘટના અકસ્માત જેવી લાગે. ત્યારબાદ આરોપી કિશોરે સુપરવાઈઝર પાસે જઈ ખોટું નાટક કર્યું હતું કે નિમંત શૌચક્રિયા કરવા જતાં પાણીમાં પડી ગયો છે.
પોલીસે આરોપી માનજાનજાન ઉર્ફે કિશોર ઈનેમ બુરહ (ઉં.વ. ૩૭), રહે. લોહરામ, થાના બીસરા, જી. સુંદરગઢ, ઓરીસ્સા અને બૈસાખુ ફાગુ બાડાઈક (ઉં.વ. ૬૫), રહે. પનીયાસાલ, થાના બીસરા, જી. સુંદરગઢ, ઓરીસ્સા ની ધરપકડ કરી હતી. ધોલાઈ મરીનના પોલીસ ઇન્સ્પેક્ટર ઍમ.ઝેડ. પટેલ વધુ તપાસ ચલાવી રહ્ના છે.
