ભીલાડમાં અજાણ્યા મૃતકની ઓળખ માટે પોલીસની અપીલ
- byDamanganga Times
- 17 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૬ ઃ ભીલાડ પોલીસ સ્ટેશન દ્વારા ઍક અજાણ્યા વ્યક્તિના અકસ્માતમાં થયેલા મૃત્યુ બાદ તેની ઓળખ મેળવવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદારો અથવા ઓળખ ધરાવતા કોઈપણ નાગરિકોને તાત્કાલિક ભીલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
તા. ૧૧ જુલાઈ, ૨૦૨૫ના રોજ સવારે અંદાજે ૧૧ઃ૩૦ વાગ્યાના સમયે વડોલી ગામના હડકોડ પંપિંગ સ્ટેશન નજીકથી પસાર થતી મુંબઈ–અમદાવાદ રેલવે લાઈનના કિલોમીટર નં. ૧૮૧/૦૬-૦૮ વચ્ચે ઍક અજાણ્યા પુરુષનો અકસ્માતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ટ્રેનની અડફેટે આવતા મૃત્યુ થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે મૃતદેહને કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના મૃતદેહને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો હતો અને છેલ્લા ઘણા દિવસોથી તેની ઓળખ મેળવવા માટે વિવિધ પોલીસ સ્ટેશનો, સ્થાનિક વિસ્તારો તેમજ અન્ય માધ્યમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેમ છતાં અત્યાર સુધી મૃતકના પરિવારજનો અથવા ઓળખીતાઓનો કોઈ સંપર્ક થયો નથી. જો કોઈ વ્યક્તિ આ મૃતકને ઓળખતી હોય અથવા તેના પરિવાર વિશે કોઈ માહિતી ધરાવતી હોય તો ભીલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. પોલીસે વધુમાં જણાવ્યું છે કે સમાજના લોકો દ્વારા આપવામાં આવતી નાનીથી નાની માહિતી પણ મૃતકની ઓળખ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
