વલસાડમાં ‘જય રણછોડ, માખણ ચોર’ના નાદ સાથે રથયાત્રા સંપન્ન
- byDamanganga Times
- 17 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ અષાઢી બીજના પવિત્ર અવસરે આજે વલસાડના છીપવાડ માં આવેલા શ્રી જગન્નાથ મંદિરેથી આજે ભગવાન જગન્નાથજીની ૩૧મી ભવ્ય રથયાત્રા પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસભેર નીકળી હતી. બપોરે ૧૨ઃ૩૦ કલાકે ‘જય રણછોડ માખણ ચોર’ના ગગનભેદી નારાઓ સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓને રથમાં બિરાજમાન કરવામાં આવી હતી. રથયાત્રાના પ્રારંભ પૂર્વે વહેલી સવારે મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વિશેષ પૂજા-અર્ચના અને મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી જ ભગવાનના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.
આ પાવન પ્રસંગે વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, શિવજી મહારાજ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્ના હતા. તેઓઍ ભગવાનના દર્શન કરી આરતી ઉતારી હતી અને રથયાત્રાના મંગલ પ્રારંભ કરાવી નગરજનોને અષાઢી બીજની શુભકામનાઓ પાઠવી હતી. શહેરના વિવિધ માર્ગો પર ભક્તો દ્વારા ભગવાનના રથનું ઠેર-ઠેર ભાવભીનું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા પોલીસવડા યુવરાજસિંહ જાડેજાની અધ્યક્ષપણા હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
