વલસાડમાં ઍડવોકેટ અને સમર્થકોની અટકાયત
- byDamanganga Times
- 14 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૩ ઃ વલસાડ શહેર માં પાલિકા દ્વારા લાંબા સમયથી વણઉકલ્યા પડતર પ્રશ્નો અને સ્થાનિક સળગતી સમસ્યાઓનો તાકીદે નિકાલ લાવવાની માંગ સાથે ભૂખ હડતાલ પર ઉતરેલા વલસાડ ના ઍડવોકેટ અકીબ મલેક અને તેમના સમર્થકોની આજે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણ અને સામાજિક વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે.
વલસાડના વિવિધ લોકપ્રશ્નો જેવા કે રસ્તાઓની બિસ્માર હાલત, ટ્રાફિક અને અન્ય માળખાકીય સુવિધાઓના અભાવ અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ન ભરાતા ઍડવોકેટ અકીબ મલેકે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું. તેઓ પોતાના સમર્થકો સાથે શાંતિપૂર્ણ રીતે ભૂખ હડતાલ પર બેસીને તંત્રની આંખ ઉઘાડવાનો પ્રયાસ કરી રહ્ના હતા. આંદોલન વધુ ઉગ્ર બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે હેતુથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આંદોલનકારીઓને હડતાલ સમેટી લેવા સમજાવટ કરી હતી, પરંતુ તેઓ પોતાની માંગણીઓ પર મક્કમ રહ્ના હતા. આખરે, પોલીસે કડક વલણ અપનાવીને ઍડવોકેટ અકીબ મલેક અને તેમની સાથે જોડાયેલા અન્ય આગેવાનો તથા સમર્થકોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જનતાના હક અને વલસાડના વિકાસ માટે શાંતિપૂર્ણ રીતે લડત ચલાવી રહ્ના હતા. અવાજ દબાવવાના પ્રયાસોથી જનતાના પ્રશ્નો ગાયબ નહીં થઈ જાય.
આ અટકાયતના સમાચાર વાયુવેગે પ્રસરતા જ સોશિયલ મીડિયા પર અને સ્થાનિક લોકોમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્ના છે. લોકોનું કહેવું છે કે, તંત્રઍ પ્રશ્નો હલ કરવાના બદલે અવાજ ઉઠાવનારાઓ સામે કાર્યવાહી કરવાનું વલણ અપનાવ્યું છે. હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સ્થિતિ નિયંત્રણ હેઠળ છે, પરંતુ આગામી દિવસોમાં આ મામલે વિરોધ વધુ તીવ્ર બને તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.
