વાપી બજારમાં ફૂટપાથ પર દબાણ, કોઈ પગલાં નહીં
- byDamanganga Times
- 14 July, 2026
(દમણગંગાટાઈમ્સ પ્રતિનિધિ)
વાપ, તા.૧૩ ઃ વાપી શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં જાહેર સુવિધા માટે બનાવવામાં આવેલા ફૂટપાથ પર દુકાનદારો દ્વારા માલસામાન અને અન્ય ચીજવસ્તુઓ મૂકી દેવામાં આવતા રાહદારીઓ તેમજ સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે. અનેક સ્થળોઍ ફૂટપાથ પર લોખંડની સીડીઓ, જાહેરાતના સ્ટેન્ડ તેમજ વાહનો પાર્ક કરી દેવામાં આવતા લોકો માટે ચાલવાનો માર્ગ બંધ થઈ ગયો છે. પરિણામે લોકોને જીવના જોખમે મુખ્ય માર્ગ પરથી પસાર થવું પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પુનમ ફૂટવેરથી ઝંડાચોક સુધીના માર્ગની બંને બાજુઍ વાપી મહાનગર પાલિકા દ્વારા હાલમાં જ બનાવવામાં આવેલા ફૂટપાથનો હેતુ રાહદારીઓને સુરક્ષિત રીતે અવરજવર માટેનો માર્ગ પૂરો પાડવાનો છે. છતાં કેટલાક વેપારીઓ દ્વારા જાહેર જગ્યાનો બિનઅધિકૃત ઉપયોગ કરવામાં આવી રહ્ના છે. થોડા દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ફૂટપાથ પર ચાલવાનો અધિકાર નાગરિકોનો મૂળભૂત અધિકાર હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તેમ છતાં સંબંધિત વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા નિયમિત કાર્યવાહી ન થતાં દબાણની સમસ્યા યથાવત રહી છે.
સ્થાનિકોઍ માંગ કરી છે કે ફૂટપાથ પરથી તમામ ગેરકાયદેસર દબાણ તાત્કાલિક દૂર કરવામાં આવે, નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ફૂટપાથ માત્ર રાહદારીઓના ઉપયોગ માટે ખુલ્લા રાખવામાં આવે, જેથી લોકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે. પરંતુ વાપી મહાનગર પાલિકા દ્વારા દબાણ હટાવો માટે રોકવામાં આવેલી મોટી ટીમ શું કરી રહી છે તે પણ ઍક પ્રશ્ન ઉભો થઈ રહ્ના છે.
