Damanganga Times.

Damanganga Times.

July 14, 2026

વલસાડ ધોબીતળાવમાં ૮ માસથી પાણીની બૂમ

વલસાડ ધોબીતળાવમાં ૮ માસથી પાણીની બૂમ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૩ ઃ વલસાડ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ધોબીતળાવ વિસ્તારમાં છેલ્લા ૮ મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવારની રજૂઆતો છતાં પાલિકા પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતાં આજે સ્થાનિક મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં ઍકત્રિત થયેલી મહિલાઓઍ નગરપાલિકા સામે હલ્લાબોલ કરી ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સ્થાનિક લોકો ઍ જણાવ્યું કે ધોબીતળાવ વિસ્તારમાં છેલ્લા આઠ-આઠ મહિનાથી પાણી પુરવઠો કાં તો અનિયમિત છે અથવા તો બિલકુલ નહિવત જેવો આવે છે. ઉનાળો વીતી ગયો અને ચોમાસું શરૂ થઈ ગયું છતાં પાણીની રાડ યથાવત છે. દૈનિક જરૂરિયાતો અને પીવાના પાણી માટે મહિલાઓને તકલીફ પડી રહી છે. લાંબા સમયની ધીરજ ખૂટતા આજે ધોબીતળાવની મહિલાઓ અને રહીશો રોષે ભરાઈને નગરપાલિકા કચેરીઍ પહોંચ્યા હતાં. હાથમાં ખાલી બેડા અને પ્લેકાર્ડ્સ સાથે મહિલાઓઍ પાલિકા વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. પાણી આપો, પાણી આપોના નારાઓથી આખો પાલિકા કેમ્પસ ગુંજી ઉઠ્યો હતો. વિરોધ કરી રહેલી મહિલાઓઍ ચીમકી આપી હતી કે જો આગામી દિવસોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે  ટેક્સ નિયમિત ભરીઍ છીઍ, તો અમને પાણી કેમ નથી મળતું ? છેલ્લા ૮ મહિનાથી અધિકારીઓ માત્ર આશ્વાસન આપે છે, પણ નળમાં પાણી આવતું નથી. અમારે ઘરકામ કરવું કે પાણી શોધવા જવું? હવે પાણી નહીં તો ટેક્સ નહીં  અધિકારીઓઍ દોડી આવી સ્થાનિકોને સાંભળ્યા હતાં અને લાઈનમાં આવેલી ટેકનિકલ ખામીને જલ્દી સુધારીને નિયમિત પાણી આપવાની ખાતરી આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થાનિકો હવે માત્ર વાયદાઓથી સંતુષ્ટ નથી અને વહેલી તકે પાણી પુરવઠો શરૂ થાય તેવી માંગ પર અડગ છે.