Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

વરકુંડ કોલેજમાં માનસિક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વરકુંડ કોલેજમાં માનસિક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૧૨ ઃ રોટરી ઇન્ટરનેશનલના માનસિક આરોગ્ય અને ભાવનાત્મક સુખાકારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે રોટરી ક્લબ ઓફ દમણ દ્વારા આજે વરકુંડ સ્થિત ગવર્નમેન્ટ ઍન્જિનિયરિંગ કોલેજ ખાતે માનસિક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આશરે ૨૧૦ વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત રોટરી ક્લબ ઓફ દમણના અધ્યક્ષ જયેશ જોશીના સંબોધનથી થઈ. તેમણે રોટરી ઇન્ટરનેશનલની વૈશ્વિક સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ દમણમાં શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, માતા-શિશુ આરોગ્ય અને પોલિયો નિર્મૂલન સહિતના ક્ષેત્રોમાં ક્લબ દ્વારા કરવામાં આવતા કાર્યોની માહિતી આપી. તેમણે યુવાનોને રોટરેક્ટ ક્લબ સાથે જોડાઈ સમાજસેવામાં સક્રિય બનવા પણ અપીલ કરી.

કાર્યક્રમ દરમિયાન રોટરીની સેવાકીય પ્રવૃત્તિઓ દર્શાવતી મલ્ટીમીડિયા પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી. ત્યારબાદ રોટેરિયન વિશ્વજીત બોરાટે અને રોટેરિયન અનેસા નૂરાણીઍ વિદ્યાર્થીઓ સાથે સંવાદાત્મક સત્ર યોજી તણાવ, ચિંતા અને માનસિક દબાણમાંથી બહાર આવવાના સરળ અને વ્યવહારુ ઉપાયો સમજાવ્યા હતાં. કાર્યક્રમનું આયોજન સર્વિસ પ્રોજેક્ટ ચેરમેન મનીષ કાપડિયા અને ઇવેન્ટ ચેરપર્સન સુપ્રિયા બોરાટેઍ કર્યું હતું. અંતે રોટરી ક્લબ ઓફ દમણ દ્વારા કોલેજના પ્રાચાર્ય ચૌધરીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો, જ્યારે કોલેજ પ્રશાસને તમામ વક્તાઓને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કર્યા.

રોટરી ક્લબ ઓફ દમણે જણાવ્યું કે માનસિક આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો સતત યોજવામાં આવશે.