વાપી બિલખાડીમાં વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થાની સમીક્ષા કરાઈ
- byDamanganga Times
- 13 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૨ ઃ વાપીમાં ચોમાસા દરમિયાન બિલખાડી કિનારે આવેલા રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ફરી ન સર્જાય તે માટે કેબિનેટ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ બિલખાડીનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વાપી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ તથા વીઆઈઍના પ્રમુખ સતિષભાઈ પટેલ, વાપી નોટિફાઈડ ઍરિયા બોર્ડના ચેરમેન મગનભાઈ સાવલિયા તેમજ સિંચાઈ વિભાગ, નહેર વિભાગ, નોટિફાઈડ બોર્ડ અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ આ નિરીક્ષણમાં જોડાયા હતા. નિરીક્ષણ દરમિયાન બિલખાડીમાં વાપી શહેર, વાપી જીઆઈડીસી તથા આસપાસના વિસ્તારોનું વરસાદી પાણી કોઈ અવરોધ વિના સરળતાથી વહેતું રહે અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી ન થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અંદાજે પાંચ વર્ષ પહેલાં તત્કાલીન ધારાસભ્ય કનુભાઈ દેસાઈઍ વિધાનસભા તેમજ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરતાં બિલખાડી પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વરસાદી પાણીના નિકાલમાં નોંધપાત્ર સુધારો થયો હતો અને વર્ષોથી ચાલતી પાણી ભરાવાની સમસ્યાનો મોટાપ્રમાણમાં ઉકેલ આવ્યો હતો.
આ વખતે છરવાડાથી શરૂ કરીને સલવાવ, બલીઠા અને નેશનલ હાઈવે સુધી બિલખાડીના સમગ્ર પ્રવાહનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓઍ વરસાદી પાણીના અવરજવરને અસર કરતી જગ્યાઓનું મૂલ્યાંકન કરી સમયસર જરૂરી કામગીરી હાથ ધરવાની ખાતરી આપી હતી, જેથી ચોમાસા દરમિયાન શહેરવાસીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
