વરસાદે વિરામ લેતાં તિથલના દરિયા કિનારે સહેલાણીઓ ઉમટયા
- byDamanganga Times
- 13 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૧૨ ઃ વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અનરાધાર વરસાદે આખરે વિરામ લીધો છે. સતત પાંચ દિવસ સુધી પડેલા ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. શહેરના મુખ્ય માર્ગો સહિત કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. જોકે, છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાઍ વિરામ લેતાં અને આકાશ ખુલ્લું થતાં લોકોઍ ભારે રાહત અનુભવી છે. લાંબા સમય બાદ સૂર્યનારાયણના દર્શન થતાં જ વલસાડવાસીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. પૂરના પાણી ઓસરવા લાગતાં તંત્ર અને સ્થાનિક લોકોઍ રાહતનો શ્વાસ લીધો છે અને રોજીંદી પ્રવૃત્તિઓ ફરી વેગવંતી બની છે. સતત વરસાદના બફારા અને ઘરમાં કેદ રહ્ના બાદ, રવિવારની રજાના દિવસે લોકો મન મૂકીને બહાર નીકળ્યા હતાં. લાંબા વિરામ બાદ ખુલેલા હવામાનનો આનંદ માણવા માટે આજે રવિવારની રજાના દિવસે વલસાડનો પ્રખ્યાત તિથલ દરિયા કિનારો સહેલાણીઓથી ઊભરાઈ ગયો હતો. મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ આસપાસના વિસ્તારમાંથી પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. લોકોઍ પરિવાર અને મિત્રો સાથે દરિયાના મોજાંની મજા માણી હતી. ખાણી-પીણીની લારીઓ અને સ્થાનિક વેપારીઓમાં પણ ભારે ઘરાકી જોવા મળતાં તેમના ચહેરા પર રોનક પાછી ફરી હતી.આમ, પાંચ દિવસની કુદરતી આફત બાદ વલસાડ ફરી ઍકવાર ધબકતું થયું છે અને રવિવારની રજાઍ લોકોના તણાવને હળવો કરવાનું કામ કર્યું છે.
