Damanganga Times.

Damanganga Times.

July 11, 2026

વલસાડ પાલિકાના સભ્યોઍ પ્રિ-મોન્સુન કામગીરી અંગે ચીફ ઓફિસરને રજૂઆત કરી

વલસાડ પાલિકાના સભ્યોઍ પ્રિ-મોન્સુન કામગીરી અંગે ચીફ ઓફિસરને રજૂઆત કરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિતિનિધિ)
વલસાડ, તા.૧૦ ઃ વલસાડ નગરપાલિકા વિસ્તારમાં ચોમાસાની શરૂઆત થતાં જ પાલિકા તંત્રની ઘોર બેદરકારી અને નિષ્ફળતા સામે આવી છે. પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સુન કામગીરી અત્યંત નબળી અને અપૂરતી સાબિત થતાં વલસાડ નગરપાલિકાના જ જાગૃત સભ્યો દ્વારા પ્રમુખ અને ચીફ ઓફિસર ને  ઍક સંયુક્ત લેખિત રજૂઆત કરી તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સભ્યોઍ આક્ષેપ કર્યો છે કે કરોડો રૂપિયાના ખર્ચે થતી પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ છે, જેના કારણે પ્રજા ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગટર અને મોટી ડ્રેનેજ લાઈનોની યોગ્ય સફાઈ કરવામાં આવી નથી. સામાન્ય વરસાદમાં પણ ઠેર-ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. ગટરો ઉભરાવાને કારણે કચરો અને કાદવ-કીચડ રસ્તાઓ પર આવી જતાં શહેરમાં ગંભીર રોગચાળો ફેલાવવાનો ભય ઊભો થયો છે.
ચોમાસાના પ્રારંભે જ શહેરના મુખ્ય માર્ગો તેમજ આંતરિક રસ્તાઓ ધોવાઈ ગયા છે અને મોટા-મોટા ખાડા પડી ગયા છે. ગટર અને અન્ય લાઈનોના ખોદકામ બાદ રસ્તાઓનું યોગ્ય સમતલીકરણ કે પેચવર્ક કરવામાં આવ્યું નથી, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો ભય સતત મંડરાતો રહે છે. ચોમાસા દરમિયાન અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. વરસાદમાં શોર્ટ સર્કિટ થવાની કે ઝાડ પડવાની ઘટનાઓ વખતે પાલિકાની ઈમરજન્સી ટીમ સમયસર કામગીરી કરતી ન હોવાની વ્યાપક  ફરિયાદ કરી છે. ચોમાસાના દિવસોમાં ગટરના ગંદા પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી જવાને કારણે અનેક વિસ્તારોમાં દૂષિત અને ગંદુ પાણી સપ્લાય થઈ રહ્નાં છે, જે નાગરિકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં સમાન છે. નગરપાલિકાના સભ્યોઍ રજૂઆતમાં જણાવ્યું છે કે વલસાડના નાગરિકો નિયમિતપણે પાલિકાના તમામ વેરા ભરે છે, તેમ છતાં તેમને ન્યૂનતમ પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે પણ વલખાં મારવા પડે છે. સભ્યો દ્વારા અગાઉ પણ મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ સંપૂર્ણ નિષ્ક્રિય રહ્નાં છે. આ લેખિત રજૂઆતના અંતે સભ્યોઍ સહીઓ કરીને પાલિકા તંત્રને સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો આગામી દિવસોમાં આ તમામ લોકહિતના પ્રશ્નો અને સમસ્યાઓનો તાકીદે અને યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે, તો જનતાના હિત માટે સભ્યો દ્વારા નગરપાલિકા કચેરી ખાતે જ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે, જેની તમામ જવાબદારી પાલિકા વહીવટી તંત્રની રહેશે.