વાપી મનપાની સ્થાયી સમિતિની બેઠક યોજાઈ
- byDamanganga Times
- 11 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૦ ઃ વાપી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક ચેરમેન સતીષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં શહેરના વિકાસલક્ષી કાર્યો, નાગરિક સુવિધાઓના વિસ્તરણ તેમજ વહીવટી અને નાણાકીય મુદ્દાઓને લગતા કુલ ૨૫ મહત્વના મુદ્દા પર ચર્ચા કરી સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
બેઠકમાં પાણી પુરવઠા વિભાગની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે કન્સલ્ટન્સી ફી અને જરૂરી માલસામાનની ખરીદી માટેના બજેટમાં રૂ. ૨૫-૨૫ લાખનો વધારો મંજૂર કરવામાં આવ્યો હતો. ઉપરાંત, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ સુલપડ ખાતે શહેરી બેઘર નાગરિકો માટે કાર્યરત આશ્રયસ્થાનનું સંચાલન કરતી ઍનજીઓ સહયોગ હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ સાથેનો કરાર વધુ ત્રણ વર્ષ માટે રિન્યુ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ સિવાય પાણી પુરવઠા, બાંધકામ અને વહીવટી વિભાગના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જૂન-૨૦૨૫ દરમિયાન થયેલા ખર્ચાને મંજૂરી આપવાની સાથે પાણી પુરવઠા વિભાગના વિવિધ મરામત કાર્યો, શહેરના વિવિધ વિસ્તારોમાં આર.સી.સી. ડ્રેનેજ પાઇપલાઇન નાખવાના કામો તથા અન્ય વિકાસલક્ષી કાર્યોના ટેન્ડરોને પણ મંજૂરી આપવામાં આવી હતી. ચર્ચા દરમિયાન સભ્યોઍ વિવિધ સૂચનો રજૂ કર્યા હતા.
જેને ધ્યાનમાં રાખીને તમામ નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવ્યા. સ્થાયી સમિતિના ચેરમેન સતીષભાઈ પટેલે જણાવ્યું હતું કે મંજૂર કરાયેલા તમામ વિકાસ કાર્યો સમયમર્યાદામાં અને ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અને ખાસ કરીને ચલા વિસ્તારના નાગરિકોને પૂરતું અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે હાલની પાણી પુરવઠા વ્યવસ્થાનું મૂલ્યાંકન કરીને પાણીના સ્ત્રોતોમાં વધારો, વિતરણ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આયોજન કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર ઍન. ઍફ. ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર કિરણસિંહ રાણા, વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્ના હતા. બેઠકનું સંચાલન મ્યુનિસિપલ સેક્રેટરી રીતેશભાઈ વાળંદ દ્વારા કરવામાં આવ્યું હતુ.
