ગુંદીયાના ગ્રામજનો દ્વારા જી.પં. સભ્યના પતિ વિરુદ્ધ રજૂઆત
- byDamanganga Times
- 10 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૦૯ ઃ ધરમપુર તાલુકાના ૧૬-માંકડબન જિલ્લા પંચાયતના મહિલા સભ્ય ના પતિ વિરુદ્ધ ગુંદીયા ગામના સામાજિક વર્કર જહીરામભાઈ ગાંગોડા સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો દ્વારા ધરમપુર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે.
કરાયેલ રજૂઆતમાં ૧૬-માંકડબન બેઠકના ચૂંટાયેલા જિલ્લા પંચાયત સભ્ય હીનાબેન નાનુભાઈ દીવાના પતિ વિપુલભાઈ સામે જિલ્લા પંચાયત સભ્ય તરીકે ખોટી ઓળખ આપી વિસ્તારના ગ્રામજનો તથા સરકારી કર્મચારીઓ પર પ્રભાવ જમાવવાનો અને માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રજૂઆતમાં દાવો કરવામાં આવ્યો છે કે વિપુલભાઈ દીવા પોતાને જિલ્લા પંચાયત સભ્ય તરીકે ઓળખાવી સોશિયલ મીડિયામાં વીડિયો પ્રસારિત કરીને લોકોમાં ગેરસમજ ફેલાવે છે તથા વિવિધ આક્ષેપો કરીને માનસિક હેરાનગતિ પહોંચાડે છે. આ ઉપરાંત રજૂઆતમાં તેમની સામે સરકારી જમીન પર કથિત દબાણ સહિત અન્ય ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને જો કોઈ અનિયમિતતા સામે આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે.
