દ.ગુ.ના રેલ્વે પ્રશ્ને નવસારીના સી.આર.ની દિલ્હીમાં રેલમંત્રીને રજુઆત
- byDamanganga Times
- 10 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નવસારી, તા. ૦૯ ઃ દક્ષિણ ગુજરાતના રેલ મુસાફરો અને દૈનિક અપ-ડાઉન કરતા નોકરિયાત - વેપારી વર્ગની લાંબા સમયની પડતર સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે દિલ્હી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સાહેબના સક્ષમ નેતૃત્વ હેઠળ, ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાના અધ્યક્ષ ભુરાલાલ શાહ તેમજ જિલ્લાના અગ્રણી નેતાઓના પ્રતિનિધિ મંડળે દિલ્હી સ્થિત રેલ ભવન ખાતે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે રૂબરૂ મુલાકાત કરી લોકહિતના પ્રશ્નોની ભારપૂર્વક રજૂઆત કરી હતી.
પીક અવર્સ દરમિયાન ટ્રેનોની ફ્રીક્વન્સી વધારવી, મહત્વની ટ્રેનોને સ્થાનિક સ્ટેશનો પર નવા સ્ટોપેજ આપવા,રેલ્વે સ્ટેશનો પર મુસાફરો માટે આધુનિક સુવિધાઓ અને માળખાકીય સુધારો કરવો જેવી બાબતો હતી. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવઍ નવસારી જિલ્લાના પ્રતિનિધિ મંડળની તમામ રજૂઆતોને અત્યંત ગંભીરતાપૂર્વક અને ધ્યાનપૂર્વક સાંભળી હતી. તેમણે દક્ષિણ ગુજરાતના મુસાફરોની લાગણીને માન આપીને તમામ પ્રશ્નોના સકારાત્મક નિરાકરણની ખાતરી આપી હતી.
રેલ મંત્રી સાથેની આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહની સાથે માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, છોટુભાઈ પાટીલ, વિજયભાઈ પટેલ, જીગરભાઈ દેસાઈ તથા ભરતભાઈ સહિતના જિલ્લાના વરિષ્ઠ મહાનુભાવો અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્ના હતા.સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાહેબના ભગીરથ પ્રયાસો અને રેલ મંત્રીશ્રીની હકારાત્મક ખાતરીથી સમગ્ર નવસારી અને દક્ષિણ ગુજરાતના રેલ મુસાફરોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
