Damanganga Times.

Damanganga Times.

July 10, 2026

સતીમાળ પ્રા. શાળાની નવી પણ નબળી કમ્પાઉન્ડ વોલ વરસાદમાં ધરાશાયી

સતીમાળ પ્રા. શાળાની નવી પણ નબળી કમ્પાઉન્ડ વોલ વરસાદમાં ધરાશાયી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)
વાંસદા, તા. ૦૯ ઃ પ્રાથમિક શાળાઓમાં સરકાર દ્વારા બનાવવામાં આવતી કમ્પાઉન્ડ વોલ વિદ્યાર્થીઓની સુરક્ષા તેમજ શાળાની મિલકતના સંરક્ષણ માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. કમ્પાઉન્ડ વોલના કારણે વિદ્યાર્થીઓ શાળા સમય દરમિયાન બહાર ન જાય, બહારના અજાણ્યા લોકો અથવા પશુઓ શાળા પરિસરમાં પ્રવેશ ન કરે તેમજ શાળાની જમીનની હદ જળવાઈ રહે છે. પરંતુ વાંસદા તાલુકાની સતીમાળ પ્રાથમિક શાળામાં બનાવવામાં આવેલી નવી પાકી કમ્પાઉન્ડ વોલ ચોમાસાની શરૂઆતમાં પડેલા વરસાદમાં જ સંપૂર્ણ પણે ધરાશાયી થઈ જતાં કામની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોમાં ઍવી ચર્ચા છે કે સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં બેદરકારી રાખવામાં આવી હોવાની સાથે ભ્રષ્ટાચારની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે. ધરાશાયી થયેલી દિવાલને જોતા તેમાં વપરાયેલ ઈંટો, સિમેન્ટ, રેતી, કપચી સહિતના બાંધકામના મટિરિયલની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થયા છે. જો દિવાલ યોગ્ય ગુણવત્તા અને માપદંડ મુજબ બનાવવામાં આવી હોત તો પ્રથમ વરસાદમાં જ આ રીતે તૂટી પડવાની ઘટના બનતી નહીં, તેવી સ્થાનિકોની રજૂઆત છે. આ સમગ્ર મામલે વહીવટી તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી દિવાલના બાંધકામની ગુણવત્તા, ટેકનિકલ મંજૂરી અને ખર્ચની તપાસ કરવામાં આવે તેમજ જો કોઈ ગેરરીતિ કે બેદરકારી સામે આવે તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
 ભારે વરસાદને કારણે જિલ્લા અધિકારી દ્વારા તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. જો ચાલુ શાળા દરમિયાન દિવાલ ધરાશાયી થઈ ને કોઈ વિદ્યાર્થીને ઈજા કે જાનહાનિ થઈ હોત, તો તેનો જવાબદાર કોણ જેવા સવાલો ગ્રામજનોમાં ઊભા થયા છે.