માન નદી પર મરઘમાળ–બામટી કોઝવેની રેલિંગ તૂટી
- byDamanganga Times
- 10 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૯ ઃ ધરમપુર તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે માન નદી પર મરઘમાળ–બામટી ગામને જોડતા કોઝવેની સ્થિતિ ગંભીર બની છે. પાણીના પ્રચંડ પ્રવાહથી કોઝવેની રેલિંગ તૂટી ગઈ છે, જ્યારે નદીમાં તણાઈ આવેલા ઝાડના થડ, ડાળીઓ અને અન્ય કચરો કોઝવેમાં અટવાઈ જતાં વધુ નુકસાન હવા અંગે ગ્રામજનો દ્વારા ચર્ચા ઊઠવા પામી છે.
મરઘમાળ ગામના સરપંચ રજની પટેલે જણાવ્યું કે સમગ્ર સ્થિતિ અંગે વીડિયો અને ફોટા સાથે સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે જણાવ્યું કે નવા પુલ માટેનું ઍસ્ટિમેટ તૈયાર થઈ ચૂક્યું છે છતાં મંજૂરી મળતી નથી.
ગ્રામજનોનુ કહેવુ છે કે કોઝવેમાં અટવાયેલા ઝાડના થડ અને કચરો તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો કોઝવેને વધુ નુકસાન પહોંચી શકે છે. પરિસ્થિતિ ગંભીર બનતાં સલામતીના કારણોસર માર્ગ બંધ કરવાની નોબત આવી શકે છે, જેના કારણે મરઘમાળ, બામટી સહિત આસપાસના ગામોના લોકોને અવરજવર, શિક્ષણ, આરોગ્ય સેવા અને રોજગાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. દર ચોમાસામાં કોઝવે ડૂબાણમાં જતો હોવાથી સ્થાનિકોઍ કાયમી ઉકેલ તરીકે અહીં નવા ઊંચા પુલના કામને તાત્કાલિક મંજૂરી આપી શરૂ કરવાની માંગ ઉઠાવી છે. હાલની સ્થિતિને લઈ ગ્રામજનોમાં તંત્રની કામગીરી સામે નારાજગી જોવા મળી રહી છે.
