ફણસાથી શેરડી સીધી ઍસટી બસ સેવા શરૂ કરવાની માંગને વેગ
- byDamanganga Times
- 10 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૯ ઃ ઉમરગામ તાલુકાના ફણસા ગામથી મહારાષ્ટ્રના પ્રસિદ્ધ શેરડી સ્થિત સાઈબાબા મંદિર સુધી સીધી ઍસટી બસ સેવા શરૂ કરવાની માંગને હવે વધુ વેગ મળ્યો છે. વલસાડ-ડાંગ લોકસભા ક્ષેત્રના સાંસદ ધવલભાઈ પટેલઍ સ્થાનિક આગેવાન હર્ષદભાઈ શાહની રજૂઆતને ધ્યાનમાં લઈ વલસાડ ઍસટી વિભાગીય નિયામકને લેખિત પત્ર પાઠવી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે ફણસા, કરજગામ, કનાડુ, કાલઈ, પાલી કરંબેલી, પાલી સહિત ઉમરગામ તાલુકાના અનેક ગામોમાં મોટી સંખ્યામાં સાઈભક્તો વસે છે. આ ઉપરાંત આ વિસ્તારોમાં સાઈબાબાના મંદિરો પણ આવેલા હોવાથી ભક્તો નિયમિત રીતે શેરડી દર્શનાર્થે જતા રહે છે.
હાલમાં ફણસા અને આસપાસના ગામોના મુસાફરોને શેરડી પહોંચવા માટે બે કે ત્રણ ઍસટી બસ બદલવી પડે છે. જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થાય છે તેમજ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને પરિવાર સાથે મુસાફરી કરતા ભક્તોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હર્ષદભાઈ શાહે ફણસાથી શેરડી સુધી સીધી ઍસટી બસ સેવા શરૂ કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી. આ રજૂઆતને ગંભીરતાથી લઈ સાંસદ ધવલભાઈ પટેલે ઍસટી વિભાગ સમક્ષ લેખિતમાં માંગણી કરતાં આ સેવા વહેલી તકે શરૂ કરવા અનુરોધ કર્યો છે.
સ્થાનિક ગ્રામજનો અને સાઈભક્તોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઍસટી વિભાગ આ રજૂઆતને હકારાત્મક રીતે સ્વીકારી ફણસાથી શેરડી સુધી સીધી બસ સેવા શરૂ કરશે. જો આ માંગ સ્વીકારાશે તો હજારો મુસાફરોને સરળ, સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે તેમજ સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી જશે.
