ઘોલવડમાં ફસાયેલા મુસાફરો માટે સ્થાનિકો દેવદૂત બન્યા
- byDamanganga Times
- 10 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૯ ઃ ભારે વરસાદથી કલાકો સુધી ટ્રેનો ઉભી રહી, બોર્ડી-ઘોલવડ-પ્લોટપાડાના લોકોઍ ચા, પાણી, નાસ્તો, ભોજન અને ખીચડી પીરસી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
મુશળધાર વરસાદના કારણે પડ્ઢિમ રેલવેની અનેક ઍક્સપ્રેસ ટ્રેનો સોમવારે કલાકો સુધી ઘોલવડ રેલવે સ્ટેશન પર ઉભી રહેતા સેંકડો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. આ દરમિયાન બોર્ડી, ઘોલવડ અને પ્લોટપાડાના સ્થાનિક લોકો મદદ માટે આગળ આવ્યા હતા. તેમણે સવારે લઈને રાત્રિ સુધી મુસાફરોને ચા, પીવાનું પાણી, બિસ્કિટ, પોહા, ભોજન અને ખીચડીનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું.
ઘોલવડ સ્થિત ટ્રીટ બીચ રિસોર્ટે પણ આ સેવાકાર્યમાં સહયોગ આપ્યો હતો. રાત્રે રેલવે તંત્ર દ્વારા વૈકલ્પિક ટ્રેન મારફતે મુસાફરોને દહાણુ મોકલવામાં આવ્યા હતાં, ત્યારે પણ સ્થાનિક લોકોઍ મુસાફરોનો સામાન ટ્રેનમાં ચઢાવવામાં મદદ કરી હતી. સંકટની આ ઘડીઍ સ્થાનિકોની નિઃસ્વાર્થ સેવા અને માનવતાભર્યા કાર્યની ચોમેર પ્રશંસા થઈ રહી છે.
