Damanganga Times.

Damanganga Times.

July 09, 2026

ઉખડિયા ખાડીમાં તણાયેલા સ્કૂલ વાન ચાલકની ૨૪ કલાક બાદ પણ ભાળ નહીં

ઉખડિયા ખાડીમાં તણાયેલા સ્કૂલ વાન ચાલકની ૨૪ કલાક બાદ પણ ભાળ નહીં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૮ ઃ ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટ વિસ્તારમાં આવેલા ટાંકી આશ્રમ નજીકની ઉખડિયા ખાડીમાં ગતરોજ ભારે વરસાદ દરમિયાન તણાયેલા સ્કૂલ વાન ચાલક અજયભાઈ ઉર્ફે સંદીપભાઈ ધીરૂભાઈ ગાંવિત (ઉ.વ. ૪૨)ની ઘટના બાદ ૨૪ કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેમની કોઈ ભાળ મળી નથી.
 સતત શોધખોળ છતાં બચાવ ટીમોને હજુ સુધી સફળતા મળી નથી.ગતરોજ ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ફરી વળતાં માર્ગનો અંદાજ ન આવતા અજયભાઈ વિદ્યાર્થીને લેવા ગયા હતા. પરત ફરતી વખતે ૧૧ વર્ષની વિદ્યાર્થિનીને પીઠ પર બેસાડી પાણીમાંથી પસાર થઈ રહ્ના હતા ત્યારે બંને અચાનક ઉખડિયા ખાડીમાં તણાઈ ગયા હતા. સ્થાનિક લોકોની સતર્કતાથી વિદ્યાર્થિનીનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો, જ્યારે અજયભાઈ વહેતા પાણીમાં તણાઈ ગયા હતા.
હાલ ધરમપુર પાલિકાની ફાયર બ્રિગેડ, ઍનડીઆરઍફ (ફઝ઼ય્જ્) સહિત ૪૦થી વધુ જવાનો દ્વારા ખાડી અને આસપાસના વિસ્તારોમાં સતત સઘન શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. વિવિધ વિભાગોના અધિકારીઓ સ્થળ પર હાજર રહી સંકલન સાથે કામગીરીને વધુ ઝડપી અને અસરકારક બનાવવા પ્રયાસ કરી રહ્ના છે. આ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે ફાયર બ્રિગેડ, ઍનડીઆરઍફ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. ત્યારબાદ તેઓ અજયભાઈના નિવાસસ્થાને પહોંચી પરિવારજનોને હૈયાધરપત આપી અને શક્ય તેટલી વહેલી તકે અજયભાઈની શોધખોળ પૂર્ણ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્ના હોવાનું આશ્વાસન આપ્યું હતું.
બનાવ અંગે ધરમપુર પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં અજયભાઈની સલામત ભાળ મળે તેવી પ્રાર્થનાઓ વચ્ચે બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.