Damanganga Times.

Damanganga Times.

July 09, 2026

વાપીમાં શ્રીજીની પ્રતિમાઅો બનાવવામાં કારીગરો વ્યસ્ત થયા

વાપીમાં શ્રીજીની પ્રતિમાઅો બનાવવામાં કારીગરો વ્યસ્ત થયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૮ ઃ ગણેશોત્સવને હજુ અઢી મહિના જેટલો સમય બાકી હોવા છતાં વાપીના ચલા વિસ્તારમાં ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાઓ બનાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. છેલ્લા ૧૫ વર્ષથી દર વર્ષે કોલકાતાથી આવતા આશરે ૬ અનુભવી કારીગરો મે મહિનાથી જ વાપીમાં રોકાઈ પરંપરાગત પદ્ધતિથી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં વ્યસ્ત બની જાય છે. કારીગરો સૌ-થમ બાંબુ વડે પ્રતિમાનો મજબૂત ઢાંચો તૈયાર કરે છે. ત્યારબાદ ઘાસ અને દોરડાની મદદથી પ્રતિમાને જરૂરી આકાર આપવામાં આવે છે. અંતે  કોલકાતાથી લાવેલી  માટી ચઢાવી સુંદર અને આકર્ષક મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે. મૂર્તિઓ સુકાઈ જાય પછી તેમાં વિવિધ રંગો અને કલાત્મક શણગાર કરીને આખરી ઓપ આપવામાં આવે છે. ચલા વિસ્તારમાં તૈયાર થતી પ્રતિમાઓ વાપી ઉપરાંત વલસાડ, ઉમરગામ, દમણ, સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં પણ મોકલવામાં આવે છે. દર વર્ષે નાના ઘરગથ્થુ ગણપતિથી લઈને જાહેર મંડળો માટેની વિશાળ પ્રતિમાઓ સુધી વિવિધ કદની મૂર્તિઓ બનાવવામાં આવે છે. હાલ કારીગરો દિવસભર મહેનત કરી સમયસર ઓર્ડરો પૂર્ણ કરવા માટે કાર્યરત છે. કોલકાતાના કારીગર ઉત્તમ પાત્રાના જણાવ્યા મુજબ દર વર્ષે ગણેશોત્સવ પહેલાં મોટી સંખ્યામાં મૂર્તિઓના ઓર્ડર મળતા હોવાથી સમયસર કામગીરી શરૂ કરવી જરૂરી બને છે. ઍટલે તેઓ મે મહિનાથી કામ શરૂ કરી દે છે. છેલ્લા કેટલાક વર્ષોથી પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધતા ઇકો-ફ્રેન્ડલી માટીની પ્રતિમાઓની માંગમાં સતત વધારો જોવા મળી રહ્ના છે. આ વર્ષે પણ સુંદર, આકર્ષક અને પર્યાવરણને અનુકૂળ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં વ્યસ્ત બન્યાં છે.