વાપી મનપા ફાયર વિભાગના કર્મીઅોને ભોંયતળિયે શિફટ કરવાની જરૂર
- byDamanganga Times
- 09 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૮ ઃવાપી મહાનગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓને ફરીથી શોપિંગ સેન્ટરના પ્રથમ માળે ખસેડવામાં આવતા તેમની કાર્યક્ષમતા અંગે પ્રશ્નો ઊભા થયા છે. આગ, પૂર, માર્ગ અકસ્માત અથવા અન્ય કોઈપણ ઇમરજન્સી સમયે દરેક સેકન્ડ કિંમતી હોય છે, ત્યારે પ્રથમ માળેથી તમામ સાધનો સાથે નીચે આવી વાહનોમાં બેસી ઘટનાસ્થળે પહોંચવામાં અનાવશ્યક વિલંબ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
મળતી માહિતી મુજબ ફાયરમેન, ડ્રાઈવર સહિત ૧૩થી વધુ કર્મચારીઓ અગાઉ મોરારજી દેસાઈ શોપિંગ સેન્ટરના ભોંયતળિયે કાર્યરત હતા. બાદમાં તેમને ઍ જ શોપિંગ સેન્ટરના પ્રથમ માળે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા માળે શિફટ કરાયા હતા. થોડા મહિના પહેલાં બંબાખાન શોપિંગ સેન્ટરના ભોંયતળિયે તેમની ઓફિસ અને વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, પરંતુ બે-ત્રણ મહિનામાં જ ફરીથી પ્રથમ માળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.ફાયર વિભાગના કર્મચારીઓનું માનવું છે કે ભોંયતળિયે કચેરી અને સ્ટાફ રૂમ હોય તો ઇમરજન્સી કોલ મળતાની સાથે જ કર્મચારીઓ સીધા ફાયર ટેન્ડર સુધી પહોંચી શકે છે. જ્યારે ઉપરના માળેથી સુરક્ષા સાધનો, ફાયર ગિયર અને અન્ય જરૂરી સામગ્રી સાથે નીચે ઉતરવામાં કિંમતી સમય વેડફાય છે.
શહેરમાં વધતી વસતી, ઊંચી ઇમારતો અને ઔદ્યોગિક ઍકમોને ધ્યાનમાં રાખતાં ફાયર વિભાગને વધુ સક્ષમ બનાવવાની જરૂરિયાત છે. શહેરના નાગરિકોમાં પણ માંગ ઉઠી છે કે જનહિતને પ્રાથમિકતા આપતાં ફાયર વિભાગના કર્મચારીઓને ફરીથી ભોંયતળિયે શિફટ કરવામાં આવે, જેથી કોઈપણ દુર્ઘટના સમયે તાત્કાલિક અને અસરકારક રીતે બચાવ કામગીરી હાથ ધરી શકાય.
