Damanganga Times.

Damanganga Times.

July 09, 2026

મધુબન ડેમમાંથી ૧.૨૪ લાખ ક્યુસેક પાણી છોડાતાં વાપી વિયર અોવરફલો

મધુબન ડેમમાંથી ૧.૨૪ લાખ ક્યુસેક પાણી છોડાતાં વાપી વિયર અોવરફલો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૮ ઃ વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે કપરાડા તાલુકા ના કરાડ ગામે આવેલા મધુબન ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રઍ સાવચેતીના ભાગરૂપે ડેમના ૧૦ પૈકી ૮ દરવાજા ૪ મીટર સુધી ખોલી તબક્કાવાર ૧,૨૪,૭૬૪ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડ્યું છે. હાલ ડેમની જળસપાટી ૭૩.૪૦ મીટર સુધી પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
મધુબન ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતા દમણગંગા નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ તથા જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર વાપી, ઉમરગામ અને કપરાડા તાલુકાના દમણગંગા નદીકાંઠે આવેલા ગામોમાં ઍલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
જિલ્લા પ્રશાસને નાગરિકોને નદીના પટમાં ન જવા, નદી કિનારે ભીડ ન કરવા તથા જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે. નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને પણ પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.
દરમિયાન, મધુબન ડેમમાંથી છોડાયેલા પાણીના પ્રવાહને કારણે વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવેલ દમણગંગા નદી પરનો વાપી વીયર ડેમ ઓવરફલો થયો હતો. ઓવરફલોના મનમોહક દૃશ્યો જોવા માટે મોટી સંખ્યામાં લોકો દમણગંગા નદી કિનારે આવેલા મુક્તિધામ વિસ્તારમાં પહોંચી ગયા હતા. જોકે, પ્રશાસન દ્વારા નદી કિનારે બિનજરૂરી ભીડ ન કરવા અને સુરક્ષિત અંતર જાળવવાની અપીલ કરવામાં આવી છે.