Damanganga Times.

Damanganga Times.

July 10, 2026

બીલીમોરા-અમલસાડ રોડ પર અંબિકાના પુલ પર તિરાડ દેખાતાં લોકોમાં ડર

બીલીમોરા-અમલસાડ રોડ પર અંબિકાના પુલ પર તિરાડ દેખાતાં લોકોમાં ડર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૦૮ ઃ બીલીમોરા અને અમલસાડને જોડતા મુખ્ય માર્ગ પર અંબિકા નદી પર આવેલો મેજર બ્રિજ હાલ વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્ના હોવાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા સમગ્ર ઘટના ફરી ટોક ઑફ ધ ટાઉન બની હતી. પુલની બાજુમાં ફરી ઍકવાર મોટી તિરાડ દેખાતા બુધવારે સ્થાનિક રહીશો અને અહીથી પસાર થતા હજારો વાહનચાલકોના જીવ પડીકે બંધાયા હતા. આડ્ઢર્યની વાત ઍ છે કે, તંત્ર દ્વારા વારંવાર કરવામાં આવતું થીગડાં સમાન સમારકામ ગણતરીના કલાકો પણ ટકતું નથી, જેને પગલે કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થયા છે.
પ્રા વિગતો અનુસાર, અંબિકા નદી પરના આ પુલની હાલત  બિસ્માર હોવાને કારણે તાજેતરમાં જ તેને બંધ કરી સમારકામ હાથ ધરાયું હતું. ગત શનિવારે જ આ સમારકામ પૂર્ણ કરી બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે બીજા જ દિવસે ઍટલે કે રવિવારે બ્રિજમાં ફરી ગાબડું પડી ગયું હતું. જેથી તંત્રઍ દોડતા થઈને તાબડતોબ ફરીથી સમારકામ કરવું પડ્યું હતું.
આ ઘટનાને હજુ માંડ બે દિવસનો સમય વિત્યો નથી ત્યાં બુધવારે ફરી ઍકવાર બ્રિજની સાઇડના  ભાગે ભયજનક તિરાડ નજરે ચડતા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે પુલમાં પડેલી આ તિરાડના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં પુલની સલામતીને લઈને અનેક તર્ક-વિતર્કો શરૂ થયા હતા અને લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.  સ્થાનિક અગ્રણીઓ અને વાહનચાલકોના જણાવ્યા મુજબ, આ માર્ગ પરથી ચોવીસ કલાક ભારે ટ્રાફિક પસાર થાય છે. જો તંત્ર દ્વારા આ રીતે માત્ર થીગડાં મારીને સંતોષ માનવામાં આવશે, તો ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાઈ શકે છે. ચોમાસાની સિઝનમાં નદીની સપાટી વધઘટ થતી હોવાથી પુલના પાયા વધુ નબળા પડવાની ભીતિ છે. લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ, કરોડોના ખર્ચે બનતા સરકારી કામોમાં દેખાતી આવી ખામીઓ પાછળ જવાબદાર કોણ હાલમાં જનતામાં ઍક જ સૂર ઉઠ્યો છે કે અંબિકા નદીના આ અત્યંત મહત્વપૂર્ણ ઍવા મેજર બ્રિજની સમસ્યાનું વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે કોઈ ચોક્કસ અને કાયમી ધોરણે નિવારણ લાવવામાં આવે, જેથી નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં ન મુકાય.
બીજી તરફ આ મામલે પંચાયત માર્ગ અને મકાન વિભાગ, નવસારીના ઇજનેર નિલય નાયકે ટેલિફોનિક વાતચીતમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, બ્રિજ સંપૂર્ણપણે સલામત છે. બ્રિજના મુખ્ય સ્ટ્રક્ચરને કોઈ જોખમ ન હોવાથી વાહનવ્યવહાર પૂર્વવત શરૂ રાખવામાં આવ્યો છે અને લોકોને ભયભીત ન થવા અપીલ કરાઈ છે.