વાપી હાઈવે પર યુપીઍલ ઓવરબ્રિજનો સર્વિસ રોડ બેસી ગયો
- byDamanganga Times
- 08 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૭ ઃ વાપી જીઆઈડીસી વિસ્તાર ના યુપીઍલ કંપની નજીક આવેલા નેશનલ હાઈવે ઓવરબ્રિજનો સર્વિસ રોડ અચાનક બેસી જતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રોડનો ઍક ભાગ ધસી જવાથી વાહનો પસાર કરવામાં જોખમ ઉભું થયું છે. છેલ્લા બે દિવસ દરમિયાન અનેક બાઈકચાલકો અને નાના વાહનો ખાડામાં ખાબકવાના બનાવો પણ બન્યા હોવાનું સ્થાનિકોઍ જણાવ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
વાપી જીઆઇડીસી ચાર રસ્તા થી યુપીઍલ થી બિલાડ તરફ અને વાઇબ્રન્ટ શાકભાજી માર્કેટથી જીઆઇડીસી ચાર રસ્તા સુધીનો હાઈવે સર્વિસ રોડ ને પહોળો કરી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમજ સ્થાનિક રાજકીય આગેવાન અને ઉદ્યોગપતિઓ દ્વારા આ રસ્તો બનાવવામાં આવે તો વાહનચાલકોને તેમજ કામદારોને ખૂબ જ ઉપયોગી બનશે તે હેતુથી બનાવવામાં આવ્યો હતો.
પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અગાઉ દર વર્ષે અહીં રસ્તો ખરાબ થઈ જવાના તેમજ પાણી ભરાવાના બનાવને ધ્યાને લઈ સ્થાનિક લોકોઍ તાત્કાલિક રજૂઆતો કરવામાં આવી હતી જેને ધ્યાને લઈ વાપી નોટિફાઇડ બોર્ડ તેમજ મહાનગરપાલિકા દ્વારા આ સર્વિસ રોડ પહોળો કરવામાં આવે તે અંગે નું બજેટ મંજૂર કરી આ રસ્તો બનાવવાની કામગીરી ઍક ખાનગી ઍજન્સીને આપવામાં આવી હતી જેવો ઍ આ સર્વિસ રોડનું કામ કરનાર કોન્ટ્રાક્ટરે ગુણવત્તા જાળવવામાં બેદરકારી દાખવી હતી. રોડના કામ માં જરૂરી રબર સ્ટોન અને મજબૂત સામગ્રીના બદલે માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.
વાહનવ્યવહાર સતત રહેતા આ માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે. સ્થાનિકોઍ તાત્કાલિક સ્થળનું ટેકનિકલ નિરીક્ષણ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની તેમજ સર્વિસ રોડનું ગુણવત્તાયુક્ત પુનઃનિર્માણ કરવાની માંગ કરી છે. સંબંધિત વિભાગ દ્વારા વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે તેવી પણ લોકોની માંગ ઉઠી છે.
