નામધા માર્ગ પર કચરો ઍકત્ર કરવા જતો ટેમ્પો વીજ પોલ સાથે અથડાયો
- byDamanganga Times
- 08 July, 2026
વાપી, તા.૭ ઃ વાપી મહાનગરપાલિકાના નામધા મુખ્ય માર્ગ પર મંગળવારે વહેલી સવારમાં ડોર-ટુ-ડોર કચરો ઍકત્ર કરવા જતો ટેમ્પો અચાનક વીજ પોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નહોતી, પરંતુ મોટી દુર્ઘટના બનતા ટળી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ડોર-ટુ-ડોર કચરો ઍકત્ર કરતી ખાનગી ઍજન્સીના ટેમ્પો ચાલકો દ્વારા મુખ્ય માર્ગો પર બેફામ અને બેદરકારીપૂર્વક વાહનો હંકારી વારંવાર અકસ્માત જેવી સ્થિતિ ઊભી કરવામાં આવે છે. આ ઘટનાઍ ફરી ઍકવાર ઍજન્સીની કામગીરી સામે પ્રશ્નો ઊભા કર્યા છે.વાપી મહાનગરપાલિકાના તમામ ૧૩ વોર્ડમાં ડોર-ટુ-ડોર કચરો ઍકત્ર કરવાની કામગીરી માટે ખાનગી ઍજન્સીને વાર્ષિક અંદાજે ૧૩ કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ઍજન્સીના ૧૦૦થી વધુ ટેમ્પો, ડ્રાઇવર અને સફાઈ કર્મચારીઓ નામધાગામે ઍક ખાનગી જગ્યાઍ ભાડે રહે છે અને ત્યાંથી દરરોજ સવાર-સાંજ વાહનોની અવરજવર કરે છે. સ્થાનિકોઍ માંગ કરી છે કે, મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને સંબંધિત ખાનગી ઍજન્સીના સંચાલકો અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક સામે યોગ્ય કાર્યવાહી કરે તેમજ તમામ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ગંભીર ઘટનાઓ ટાળી શકાય. સાથે આ દરેક ટેમ્પોના ર્પાસિંગ નંબર પણ નથી તેમ જ વાહન ચાલક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે કે કેમ તેવા પ્રશ્નો પણ થઈ રહ્ના છે.
