Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

વાપી હાઈવે લાગુ ગટર ખુલ્લી કરવા જેસીબી લગાડાયું

વાપી હાઈવે લાગુ ગટર ખુલ્લી કરવા જેસીબી લગાડાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૭ ઃ હાઈવે સર્વિસ રોડ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાને પગલે વાપી મહાનગરપાલિકાઍ આશાધમ સ્કૂલ નજીક જેસીબીની મદદથી વરસાદી પાણીની ગટર ખુલ્લી કરવાની કામગીરી હાથ ધરી છે. ભારે વરસાદ દરમિયાન પાણીનો યોગ્ય નિકાલ ન થતાં જલારામ મંદિર પરિસર, આસોપાલવ રોડ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ હાઈવે સર્વિસ રોડને પહોળો કરવાની કામગીરી દરમિયાન અગાઉ આવેલી કુદરતી વરસાદી પાણીની ગટરના સ્થળે વૃક્ષારોપણ માટે માટી ભરી દેવામાં આવી હતી. તેના કારણે વરસાદી પાણીનો કુદરતી વહેણ સંપૂર્ણપણે અટકી ગયો હતો. પરિણામે સામાન્ય વરસાદમાં પણ પાણી રોડ પર જ ઍકત્ર થવા લાગ્યું અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જવાની સ્થિતિ સર્જાઈ હતી.
સમસ્યાની ગંભીરતા ધ્યાનમાં લઈ વાપી મહાનગરપાલિકાના અધિકારી સંજય ઝા  સ્થળ પર પહોંચ્યા હતા અને જેસીબી દ્વારા બંધ થયેલી ગટર ફરી ખુલ્લી કરવાની કામગીરી શરૂ કરી હતી.  ગટર વ્યવસ્થિત રીતે કાર્યરત થતાં આગામી વરસાદમાં પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે.