મોગરાવાડીનો ‘મ્યુલ ઍકાઉન્ટ’ ધારક અમદાવાદથી ઝડપાયો
- byDamanganga Times
- 07 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૬ ઃ વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસ મથકની ટીમે ૅ‘ઓપરેશન મ્યુલ હંટ ૨.૦’ અંતર્ગત પોલીસે મ્યુલ ઍકાઉન્ટ મેળવી રૂ. ૫.૨૧ કરોડથી વધુની છેતરપિંડી કરનાર વોન્ટેડ મુખ્ય આરોપીને અમદાવાદ ના નિકોલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર ખોટી આઈડી બનાવીને દેશભરમાંથી ઍજન્ટો અને મ્યુલ બેંક ઍકાઉન્ટ્સ ઍકત્રિત કરતો હતો.
ગુજરાત રાજ્યમાં સાયબર ગુનાખોરી નાબૂદ કરવાની ખાસ ઝુંબેશ હેઠળ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે ઍક મોટા દેશવ્યાપી સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ‘ઓપરેશન મ્યુલ હંટ ૨.૦’ અંતર્ગત પોલીસે ટેલિગ્રામ ઍપ મારફતે સામાન્ય નાગરિકોના બેંક ખાતાઓ (મ્યુલ ઍકાઉન્ટ્સ) મેળવી રૂ. ૫.૨૧ કરોડથી વધુની છેતરપિંડી કરનાર વોન્ટેડ મુખ્ય ઍજન્ટને અમદાવાદથી ઝડપી પાડ્યો છે. આરોપી સામે અલગ અલગ રાજ્યોમાં ૭૦ જેટલી સાયબર ની ફરિયાદો નોંધાઈ છે. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે શરૂઆતમાં સ્થાનિક સ્તરે તપાસ કરીને વલસાડના મોગરાવાડી વિસ્તારના બેંક ખાતા ધારક નકુલ થોરાટની ધરપકડ કરી હતી. નકુલની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તેણે પોતાનું ખાતું રવિ આનંદ સહાની નામના વ્યક્તિને આપ્યું હતું અને રવિઍ આ ઍકાઉન્ટ અમદાવાદમાં રહેતા હર્ષિલ યાદવ ઉર્ફે સંજયને પહોંચાડ્યું હતું. હર્ષિલ આ ઍકાઉન્ટ્સનો ઉપયોગ કરીને બાયનાન્સ ક્રિપ્ટો ઍપ્લિકેશન મારફતે ફ્રોડના નાણાં સગેવગે કરતો હતો. ટેકનિકલ ઍનાલીસીસના આધારે અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી મુખ્ય સૂત્રધાર હર્ષિલ હિંમતભાઈ યાદવ ઉં.વ. ૩૨ ને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી હર્ષિલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર ખોટી આઈડી બનાવીને દેશભરમાંથી ઍજન્ટો અને મ્યુલ બેંક ઍકાઉન્ટ્સ ઍકત્રિત કરતો હતો. તે દેશની અલગ-અલગ લક્ઝુરિયસ હોટલોમાં આ ઍજન્ટો સાથે રોકાતો હતો. જ્યાં સુધી સાયબર ફ્રોડની રકમ બાયનાન્સ ઍપ, ઍટીઍમ કે ચેકબુક દ્વારા સંપૂર્ણપણે સગેવગે ન થઈ જાય, ત્યાં સુધી તે ઍકાઉન્ટ ધારકો અને ઍજન્ટોને હોટલના રૂમમાં ઍક પ્રકારે નજરકેદ રાખતો હતો જેથી કોઈ બેંકમાં જઈને વ્યવહાર રોકાવી ન શકે.
દેશભરમાં ૭૦ જેટલી ફરિયાદો અને કરોડોના ટ્રાન્ઝેક્શન
આરોપીના મોબાઈલ ફોનની તપાસ કરતા તેમાંથી અસંખ્ય વોટ્સઍપ અને ટેલિગ્રામ ગ્રુપો મળી આવ્યા છે, જેના દ્વારા તે બેંક ખાતાઓ મેનેજ કરતો હતો. સાયબર સમન્વય પોર્ટલ પર તપાસ કરતા આ ઍકાઉન્ટ્સ વિરુદ્ધ દેશભરમાં અલગ-અલગ રાજ્યોમાં કુલ ૭૦ જેટલી સાયબર ફરિયાદો નોંધાયેલી હોવાનું ખુલ્યું છે. આ ખાતાઓમાં કુલ રૂ. ૫,૨૧,૩૮,૪૬૬/-ની ફ્રોડની રકમ જમા થયેલી મળી આવી છે. પોલીસે આરોપી પાસેથી ૩ મોંઘા મોબાઈલ ફોન જ કર્યા છે તેમજ ગુનામાં વપરાતા બેંક ખાતામાં રહેલી રૂ. ૧,૯૯,૬૦૨/-ની રોકડ ફ્રીઝ કરાવી છે. પકડાયેલ આરોપી હર્ષિલ અગાઉ અમદાવાદ સાયબર ક્રાઇમ અને માધવપુરા પોલીસ સ્ટેશનના ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે.
