વાપી બજારની દુકાનોમાં પાણી ભરાયા
- byDamanganga Times
- 07 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૬ ઃ વાપીમાં આજે પડેલા ભારે વરસાદે ફરી ઍકવાર મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ પર સવાલો ઊભા કર્યા છે. મુખ્ય બજારમાં વિશાલ સાઇકલ સ્ટોરથી લઈને બેંક ઓફ બરોડા સુધીની પાંચથી વધુ દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
ઉલ્લેખનીય છે કે વાપીના મુખ્ય બજારમાં દર વર્ષે વરસાદી સિઝનમાં પાણી ભરાવાના બનાવને લઈ સ્થાનિક દુકાનદારો તેમજ રહેવાસીઓ પરેશાન બન્યા હતા જેને લઇ મહાનગરપાલિકાઍ આ વર્ષે જૂનો રસ્તો ખોદી નવો રસ્તો બનાવ્યો હતો. સાથે બંને બાજુ નવી ડ્રેનેજ લાઈન તેમજ વરસાદી પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી હતી. આજે સોમવારે માત્ર પાંચ ઇંચ વરસાદથી સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની જવા પામ્યો હતો સ્થાનિક વેપારીઓઍ આક્ષેપ કર્યો કે લાખો રૂપિયાનો ખર્ચ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હોવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. દર વર્ષે દુકાનોમાં પાણી ઘૂસતા માલસામાનને નુકસાન થાય છે.
આ અંગે સ્થાનિક લોકોઍ વોર્ડ નંબર ૮ ના ચૂંટાયેલા સભ્યોને જાણ કરવામાં આવ્યા હોવા છતાં અહીં પાલિકાની ટીમ કે કોઈ વ્યવસ્થા નહીં કરાતા દુકાનદારોમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળ્યો છે.
