ઉમરગામમાં મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા
- byDamanganga Times
- 07 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૬ ઃ ઉમરગામ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાતા જનજીવન પર અસર જોવા મળી છે. તંત્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાલુકાના ત્રણ જેટલા માર્ગો હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા છે અને સ્થળોઍ પોલીસ તથા તંત્ર દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ દરમિયાન રમણભાઈ પાટકરઍ તાલુકાના વિવિધ વરસાદગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી હતી.
ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ પર ચરક બસ સ્ટોપ, જીઆઇડીસી કોમલ કોમ્પ્લેક્સ સામે તેમજ આરામ હોટલ નજીક મુખ્ય માર્ગ પર નદીના વહેણની જેમ વરસાદી પાણી વહેતું જોવા મળ્યું હતું. પરિણામે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોમાં ઍવી ચર્ચા છે કે લોકોને સુવિધા મળે તે માટે સીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી બોક્સ ડ્રેનેજ અસરકારક રીતે કાર્યરત ન હોવાથી તે હાલ બિનઉપયોગી સાબિત થઈ રહી છે. તેના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જવાની અને વહેણ શરૂ થવાની સ્થિતિ સર્જાઈ હોવાનું જોવા મળી રહ્નાં છે. ઉમરગામ તાલુકામાં ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૨૫ ઇંચ વરસાદ નોંધાયો હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. હાલમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા તેમજ જરૂરી ન હોય તો પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી છે.
