Damanganga Times.

Damanganga Times.

July 06, 2026

વલસાડ ઍસટીઍ મુસાફરો માટે બોરીવલી સુધી ૧૬ ખાસ બસો દોડાવી

વલસાડ ઍસટીઍ મુસાફરો માટે બોરીવલી સુધી ૧૬ ખાસ બસો દોડાવી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૬ ઃ વલસાડ ઍસટી વિભાગ દ્વારા તાત્કાલિક ૧૬ જેટલી બસોને વલસાડ, વાપી, ભીલાડ અને સંજાણથી મુંબઈ બોરીવલી સુધી દોડાવી વરસાદને કારણે ટ્રેન વ્યવહાર બંધ થતા અટવાયેલા મુસાફરોને સહી સલામત પહોંચાડાયા છે.

મુંબઈ સેન્ટ્રલ અને દક્ષિણ ગુજરાતમાં  ભારે વરસાદને પગલે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં રેલ સેવા પ્રભાવિત થઈ હતી. પરિણામે અનેક ટ્રેનોને વલસાડ, વાપી, ભીલાડ અને સંજાણ સ્ટેશનો પર રોકી દેવામાં આવતા મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ ગયા હતાં. પરિસ્થિતિની જાણ જિલ્લા કલેક્ટર અને ઍસટી વિભાગને થતાં વલસાડ ઍસટી વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. વિભાગીય નિયામક   તથા પરિવહન અધિકારી સ્નેહલ પટેલના માર્ગદર્શન હેઠળ વાપી ડેપોના મેનેજર માંહલા, કે.સી. પટેલ તથા આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધનસુખ પટેલે સંકલન કરીને વાપીથી બોરીવલી માટે ૭ બસ, ભીલાડથી બોરીવલી માટે ૩ બસ, સંજાણથી બોરીવલી માટે ૧ બસ તેમજ વલસાડ ડેપોથી બોરીવલી માટે ૫ બસોની ખાસ વ્યવસ્થા કરી હતી.

આ ત્વરિત અને સુવ્યવસ્થિત કામગીરીથી અટવાયેલા મુસાફરોને સમયસર રાહત મળી હતી. મુસાફરોઍ ઍસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ સંજાણ, ભીલાડ અને વાપીના રેલવે સ્ટેશન માસ્ટરોઍ પણ વલસાડ ઍસટી વિભાગની ઝડપી કામગીરીને બિરદાવી વિભાગીય નિયામક, પરિવહન અધિકારી તથા સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.