અમલસાડ અંબિકા નદીના બ્રિજ પર સમારકામ બાદ ફરી વાહનવ્યવહાર શરુ
- byDamanganga Times
- 06 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૦૫ ઃ બીલીમોરાથી અમલસાડને જોડતી અંબિકા નદી પર આવેલા મેજર બ્રિજ પર શનિવારે અચાનક મોટું ગાબડું અને તિરાડ દેખાતા વાહનવ્યવહાર અટવાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક ઍક્શનમાં આવ્યું હતું અને અકસ્માત નિવારવા બ્રિજ પર બેરિકેડ્સ મૂકી રસ્તો વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દીધો હતો. અંબિકા નદી પરનો મુખ્ય બ્રિજ કાંઠા વિસ્તારના ગામો માટે લાઈફલાઈન સમાન છે. આ બ્રિજ બંધ થતાં બીલીમોરાથી અમલસાડ, ભાઠા, માસા, મોવાસા, છાપર, વાડી, કોથા, વાસણ, સરીબુજરંગ, કૃષ્ણપુર, અબ્રામા, છાપર અને કલમઠા સહિતના ૧૧ જેટલા ગામોનો સીધો સંપર્ક તૂટી ગયો હતો. જેના કારણે નોકરી-ધંધા અને જરૂરી કામ અર્થે બીલીમોરા આવતા સ્થાનિકોને વાયા ધમડાછા-ગણદેવી થઈને લાંબો ચકરાવો કાપવાની ફરજ પડી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ નવસારી માર્ગ અને મકાન વિભાગના ઇજનેર નિલય નાયક અને તેમની ટીમ તાબડતોડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
અને યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી આદરી હતી. બ્રિજ પર પડેલી તિરાડ અને ગાબડાને પૂરવા માટે પાંચ જેટલી ટ્રકો ભરીને પથ્થરો તેમજ બે ટ્રક જેટલો સિમેન્ટ-કોંક્રિટનો માલ મંગાવીને રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.ત્વરિત કામગીરી ના પગલે સાંજે બ્રિજ ફરી વાહનવ્યવહારની અવરજવરથી ધમધમી ઉઠ્યો હતો.
