ચીવલ હાઈવે પર વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરી
- byDamanganga Times
- 06 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા. ૦૫ ઃ નાનાપોંઢા તાલુકાના ચીવલ વિસ્તારમાં ૮૪૮ નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો અહેવાલ દમણગંગા ટાઈમ્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા બાદ નેશનલ હાઈવે સત્તાવાળાઓ હરકતમાં આવ્યા હતાં. અહેવાલ બાદ સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી કામગીરી હાથ ધરી હતી.
ચીવલ રોડ પર દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાવાથી વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને લઈને સ્થાનિકોમાં લાંબા સમયથી અસંતોષ હતો. દમણગંગા ટાઈમ્સે સમસ્યાને પ્રાધાન્ય આપીને રજૂ કર્યા બાદ તંત્રઍ તાત્કાલિક પગલાં લીધા હોવાનું સ્થાનિકોઍ જણાવ્યું હતું.
નેશનલ હાઈવે વિભાગ દ્વારા પાણીના નિકાલમાં અવરોધરૂપ બનેલા સ્થળોની સફાઈ, ડ્રેનેજ વ્યવસ્થાની તપાસ અને પાણીનો પ્રવાહ સરળ બને તે માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિકોઍ આશા વ્યક્ત કરી છે કે આ કાર્યવાહીથી આગામી વરસાદ દરમિયાન રસ્તા પર પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળશે.સ્થાનિક લોકોઍ પણ જનહિતના પ્રશ્નોને ઉજાગર કરવા બદલ દમણગંગા ટાઈમ્સનો આભાર વ્યક્ત કર્યો હતો અને તંત્ર પાસે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ પુનરાવર્તિત કરી હતી.
