કપરાડામાં પહેલા વરસાદે મોટા ચેકડેમો છલકાતાં ખેડૂતોમાં ખુશીની લહેર
- byDamanganga Times
- 06 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા. ૦૫ ઃ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ચોમાસાની શરૂઆતમાં જ સારા વરસાદને કારણે અનેક મોટા ચેકડેમો પાણીથી છલકાઈ ઉઠ્યા છે. વર્ષોથી વરસાદ આધારિત ખેતી કરતા આદિવાસી વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જળસંચયની અસરકારક વ્યવસ્થાને કારણે આગામી સિંચાઈની જરૂરિયાતો પૂરી થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જળસંચયને મજબૂત બનાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા પ્રમાણમાં કામગીરી કરવામાં આવી છે. અંદાજે રૂ. ૩૩.૫૨ કરોડના ખર્ચે ૨૩ મોટા ચેકડેમ, રૂ. ૪૧.૧૮ કરોડના ખર્ચે ૫ વીયર, રૂ. ૭૩ કરોડના ખર્ચે ૩૫ નવા ચેકડેમ તેમજ રૂ. ૧૨ કરોડના ખર્ચે ૩૪ વિવિધ જળસંચયના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ યોજનાઓથી વરસાદી પાણીનો સંગ્રહ વધતા ખેડૂતોને વર્ષભર ખેતી માટે પાણી ઉપલબ્ધ બનશે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ અગાઉ સિંચાઈની પૂરતી વ્યવસ્થા ન હોવાથી માત્ર વરસાદ આધારિત ખેતી કરવી પડતી હતી. હવે ચેકડેમોમાં પાણી ભરાવાથી ધાન ઉપરાંત શાકભાજી, કેળા અને અન્ય રોકડ પાકોની ખેતી પણ સરળ બનશે. ખેડૂતોનું માનવું છે કે જો ચેકડેમોની ઊંચાઈ વધારવામાં આવે તો વધુ પાણીનો સંગ્રહ થઈ શકે અને તેનો લાંબા સમય સુધી લાભ મળશે.
આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પાણી સૌથી મહત્વપૂર્ણ આધાર હોવાનું જણાવતાં પૂર્વ મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીઍ રાજ્ય સરકારની વનબંધુ યોજના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંતુલિત વિકાસના અભિગમની ુપ્રશંસા કરી હતી. વહીવટી તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ જળસંચયના નવા કામો માટે ઘણી વખત વિવિધ વિભાગોની મંજૂરી લેવાની પ્રક્રિયા લાંબી બનતી હોવાથી કામગીરીમાં વિલંબ થાય છે. તેમ છતાં આગામી સમયમાં વધુ જળસંચય યોજનાઓ ઝડપથી પૂર્ણ થાય તેવી સ્થાનિકોની અપેક્ષા છે.
