Damanganga Times.

Damanganga Times.

July 04, 2026

ખાપરી નદીના કાંઠે ફસાયેલા ૪૧ પરપ્રાંતિય મજૂરોનું રેસ્કયુ

ખાપરી નદીના કાંઠે ફસાયેલા ૪૧ પરપ્રાંતિય મજૂરોનું રેસ્કયુ


આહવા, તા. ૦૩ ઃ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહીના પગલે ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ખાપરી નદીના જળસ્તરમાં અચાનક વધી જતાં, પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. આ વિકટ પરિસ્થિતિમાં નિલશાક્યા ગામ નજીક ડેમના બાંધકામ અર્થે આવેલા ૪૧ જેટલા પરપ્રાંતિય મજૂરો નદીના કાંઠા વિસ્તારમાં ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસની સંયુક્ત ટીમે ભારે સજાગતા અને તત્પરતા દાખવી તાત્કાલિક અસરકારક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ લોકોને સહીસલામત સ્થળાંતર કર્યાં હતાં.
ડાંગ જિલ્લા કલેક્ટર ઍન.ડી. પરમાર અને જિલ્લા પોલીસ વડા શ્રીમતી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મામલતદાર (આહવા), આહવા પોલીસ વિભાગના જવાનો, ૧૦૮ ઇમર્જન્સી સેવા અને સ્થાનિક નાગરિકોઍ ટીમ વર્કનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નદીના કાંઠા વિસ્તારમાં ફસાયેલા લોકોને કાઢવા માટે પોલીસની ટીમે જંગલના મુશ્કેલ માર્ગ પોલીસ જવાનોઍ ભારે જહેમત ઉઠાવી હતી. પોલીસે તમામ ૪૧ મજૂરોને સુરક્ષિત રીતે મૂળચોન્ડ ગામે આવેલા હનુમાનજીના મંદિરમાં આશ્રય અપાવ્યો હતો. ડાંગ જિલ્લા વહીવટી તંત્રની આ સમયસૂચકતા અને માનવીય અભિગમને કારણે ઍક મોટી દુર્ઘટના ટળી હતી.
બચાવ કરાયેલા આ પરપ્રાંતિય મજૂરોમાં ૨૧ પુરુષો, ૯ મહિલાઓ અને ૧૧ બાળકોનો સમાવેશ થાય છે. વહીવટી તંત્ર દ્વારા આશ્રય સ્થળે જ તમામ મજૂરો માટે તાત્કાલિક શુદ્ધ પીવાનું પાણી, ફૂડ પેકેટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત, ૧૦૮ ઇમર્જન્સી સેવા મારફતે તમામને સ્વાસ્થ્યની તબીબી તપાસ કરાવી જરૂરી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
જિલ્લા પોલીસ વડા પૂજા યાદવે આશ્રય સ્થાનની રૂબરૂ મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી અને મજૂરો તેમજ તેમના પરિવારો સાથે સંવેદનશીલ સંવાદ સાધ્યો હતો. પોલીસ દ્વારા મજૂરોની રહેવાની વ્યવસ્થા ગોઠવવાની સાથે હવે તેઓને સુરક્ષિત રીતે પોતાના વતન પરત મોકલવાની વહીવટી પ્રક્રિયા પણ હાથ ધરી છે.