Damanganga Times.

Damanganga Times.

July 04, 2026

ધરમપુરમાં ૧૨ કલાકમાં ૩.૫ ઇંચ વરસાદથી નદી-નાળા છલકાયા

ધરમપુરમાં ૧૨ કલાકમાં ૩.૫ ઇંચ વરસાદથી નદી-નાળા છલકાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૦૩ ઃ ધરમપુર તાલુકામા છેલ્લા ૧૨ કલાકમા નોંધાયેલા ૯૦ મી.મી વરસાદે નદી-નાળા છલકાવી દીધા હતા, જ્યારે આંબોસી ભવઠાંણનો પુલ તેમજ મોરદહાડ ચેકડેમ કમ પુલ ઉપરથી વરસાદી પાણી ફરી વળતાં  આ વિસ્તાર થી પસાર થનારાઓનું જનજીવન પ્રભાવિત બન્યું હતું. બીજી તરફ  વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થતાં ડાંગરની વાવણી અને રોપણીની કામગીરીમા જોતરાયા હતા.
ધરમપુર તાલુકાના આંબોસી-ભવઠાણ માર્ગ પર -થમ જ વરસાદમાં પુલ ઉપરથી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. આ માર્ગ જામલીયા, પાંડવખડક અને આંબોસી-ભવઠાણ સહિતના અનેક ગામોના લોકો માટે ધરમપુર તથા વલસાડ જવાનો મુખ્ય સંપર્ક માર્ગ હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તે ઉપરાંત બિલધા મોર–દહાડ વચ્ચે આવેલા ચેકડેમ કમ પુલ ઉપર પણ વરસાદી પાણી ફરી વળતાં ઓવરટોપિંગની સ્થિતિ સર્જાઈ હતી. પરિણામે આ માર્ગ પરથી પણ અવરજવર બંધ કરી દેવામાં આવી હતી.
 ભારે વરસાદ અને પવનના કારણે જાગીરી, કુરગામ, આંબા તલાટ, ખારવેલ, માંકડબન અને ભેસધરા સહિતના ગામોમાં અનેક સ્થળોઍ વીજ પોલ ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જોકે ધરમપુર વીજ વિભાગના ઇજનેર જયેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કોન્ટ્રાક્ટર દીપેશભાઈ અને તેમની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી નુકસાનગ્રસ્ત વિસ્તારમા વીજ પોલ ઊભા કરી ટૂંકા સમયમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કર્યો હતો. જેના કારણે આ વિસ્તારના લોકોઍ હાશકારો મેળવ્યો હતો.
ધોધમાર વરસાદથી તાલુકાભરના નદી-નાળા અને કોતરો છલકાઈ ઊઠ્યા હતા. વરસાદથી ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી હતી. હાલ ખેડૂતો ડાંગરની વાવણી બાદ રોપણીના કામમાં જોતરાઈ  ખેતરોમાં ચોમાસાની ચહલપહલ જોવા મળી રહી છે.
ધરમપુરમાં સાંજના છ વાગ્યા સુધી ૯૦ મી.મી વરસાદ નોંધાયો હતો, જ્યારે ચાલુ ચોમાસાની સિઝનમાં કુલ ૨૬૪ મી. મી વરસાદ નોંધાતા  સમગ્ર ધરમપુર તાલુકામાં ચોમાસાનો માહોલ જોવા મળ્યો હતો.