ડાંગ જિલ્લામાં બારે મેઘ ખાંગા
- byDamanganga Times
- 04 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા.૦૩ ઃ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શુક્રવારે વહેલી સવારથી સાંજ સુધીમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતુ. ડાંગ જિલ્લાનાં જનજીવને જૂન મહિનામાં માત્ર વરસાદની પ્રતીક્ષા કરી હતી. જે પ્રતીક્ષા આખરે જુલાઈ મહિનાનાં પ્રારંભમાં પુરી થઈ છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ, આહવા, ચીંચલી, ગારખડી, પીપલદહાડ, લવચાલી, પીપલાઈદેવી, સાકરપાતળ, વઘઇ, ઝાવડા, ભેંસકાતરી, કાલીબેલ, સુબિર, મહાલ, બરડીપાડા, સિંગાણા સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં શુક્રવારે દિવસ દરમ્યાન સાંબેલાધાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લામાં શુક્રવારે મેઘો રીતસરનો જામતા ઉદગમસ્થાનેથી નીકળતી અંબિકા, ખાપરી, પૂર્ણાં અને ગીરા નદીઓ ગાંડીતુર હાલતમાં બની બન્ને કાંઠે થઈ વહેતી જોવા મળી હતી. શુક્રવારે ડાંગ જિલ્લામાં ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત નદી, નાળા, વહેળા, કોતરડા ગાંડાતુર હાલતમાં વહેતા થયા હતા. જેમાં ઉદગમસ્થાનેથી અંબિકા, ખાપરી, પૂર્ણાં અને ગીરા નદીઓઍ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ. ડાંગ જિલ્લામાં ભારે વરસાદનાં પગલે જિલ્લાના ૩૭ જેટલા ગ્રામ્ય માર્ગો ઓવરટોપિંગના કારણે ૫૦ જેટલા ગામો જિલ્લાનાં વહીવટી મથકથી સંપકવિહોણા બન્યા હતા. ડાંગ જિલ્લામાં ભારે વરસાદના પગલે પ્રભાવિત ગામોમાંથી વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ તેમજ આવશ્યક સેવાઓ ખોરંભે ચડી હતી. હાલમાં પ્રભાવિત ગામડાઓનાં જનજીવનને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો છે.
ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં ૨૧૯ મિમી અર્થાત ૮.૭૬ ઈંચ, આહવા પંથકમાં ૨૨૯ મિમી અર્થાત ૯.૧૬ ઈંચ, સુબિર પંથકમાં ૩૧૨ મિમી અર્થાત ૧૨.૪૮ ઈંચ, જ્યારે સૌથી વધુ વઘઇ પંથકમાં ૩૬૦ મિમી અર્થાત ૧૪.૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લાનાં સાપુતારા-વઘઇ માર્ગ અને આહવા-વઘઇ માર્ગ સ્થિત આવેલ શિવઘાટનાં બન્ને ધોધ સોળે કળાઍ ખીલી ઉઠ્યા હતા. શુક્રવારે આહવા નગર સહીત આસપાસનાં ગામડાઓમાં વરસાદે ભારે તાંડવ કર્યુ હતુ.જેના પગલે નાનકડા વહેળા કોતરડા અને ઝરણાઓ ગાંડાતુર બન્યા હતા.વરસાદી માહોલમાં આહવા નજીકનાં આ બન્ને ધોધ પુરજોશમાં સક્રિય માર્ગમાંથી પસાર થતા વાહનચાલકો માટે અહીના દ્રશ્યો મનમોહક બની ગયા હતા. નજીકનો ગીરાધોધ જીવંત થયો.ડાંગ જિલ્લાનાં વઘઇ નજીક અંબિકા નદી પર આવેલ ગીરાધોધ આજરોજ પાણીનાં જથ્થા સાથે સક્રિય બન્યો છે.વઘઇનો ગીરાધોધ નાઈગ્રા ફોલ તરીકે ઓળખાય છે.
આ ધોધની દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈ સંભારણુ બનાવે છે. ત્યારે શુક્રવારે સાપુતારા સહીત વઘઇ પંથકમાં સાંબેલાધાર વરસાદ પડતા અંબિકા નદીમાં પુરની સ્થિતિ ઉદભવી હતી. અંબિકા નદીમાં પાણીનો જથ્થો વધતા બપોરબાદ ગીરાધોધ સક્રિય થયો છે.વઘઇનાં ગીરાધોધમાં પાણી સક્રિય થતા અહીનો નજારો અદભુત બની ગયો છે.હવે ગીરાધોધનો અદભુત અને આકર્ષક નજારો પ્રવાસીઓ મનભરીને માણી શકશે..
