ધરમપુરમાં ૧૫૦ વર્ષ જૂનું જોખમી મકાન તોડી પડાયું
- byDamanganga Times
- 04 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૩ ઃ ધરમપુર શહેરના ગાંધીબાગ સામે, રાધા-કૃષ્ણ મંદિર નજીક આવેલું અંદાજે ૧૫૦ વર્ષ જૂનું અને રાજા-રજવાડાના સમયનું જર્જરિત મકાન બુધવારે ધરમપુર નગરપાલિકા દ્વારા સલામતીના હેતુસર તોડી પાડવામાં આવ્યું હતું. ભારે વરસાદ અને પવનને કારણે મકાન ગમે ત્યારે ધરાશાયી થવાની શક્યતા હોવાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર વિજય ઈટાલિયાઍ અગાઉ મકાન માલિકને નોટિસ પાઠવી હતી. ત્યારબાદ મકાન અત્યંત જોખમી હોવાનું જણાતા જીસીબી સહિતના સાધનોની મદદથી તેને તોડી પાડવામાં આવ્યું હતું. કામગીરી દરમિયાન ગાંધીબાગથી મોટા બજાર સુધીનો મુખ્ય માર્ગ વાહનવ્યવહાર થોડા સમય માટે બંધ રાખવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી પાલિકાના અધિકારીઓ અને પોલીસની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. સ્થાનિકોઍ જણાવ્યું હતું કે લાંબા સમયથી આ મકાન જોખમરૂપ બન્યું હતું. જે પાલિકાતંત્ર દ્વારા તોડી પાડવામાં આવતા રાહત મળી હતી.
