પૂર્વ પત્નીની નકલી સહીથી ખાતું ખોલાવી લાખોની છેતરપિંડી કરીï!
- byDamanganga Times
- 03 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ વલસાડના ધરમપુર પરની ઈરમા ઍપાર્ટમેન્ટ અને હાલ અમેરિકામાં રહેતી પત્નીના નામે પૂર્વપતિની નકલી સહી કરી બેંકમાં ખાતું ખોલાવી લાખો રૂપિયાની નાણાકીય હેરાફેરી કરતા પત્નીઍ પૂર્વ પતિ વિરુદ્ધ વલસાડ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ખળભડાટ મચી ગયો છે. ધરમપુર રોડ પર આવેલ ઈરમા ઍપાર્ટમેન્ટમાં રહેતા પ્રિયંકાબેન પ્રતિકભાઈ દેસાઈ (ઉં.વ. ૪૦) ઍ તેમના પૂર્વ પતિ પ્રતિક પ્રફુલચંદ્ર દેસાઈ સાથે વર્ષ ૨૦૦૭ માં પ્રિયંકાબેનના લગ્ન પ્રતિક દેસાઈ સાથે થયા હતા. પ્રિયંકાબેન વર્ષ ૨૦૦૬ થી વલસાડમાં પી.જી. ફર્મ નામની મેડિકલ ઍજન્સી ચલાવતા હતા, જેના તેઓ ઍકમાત્ર માલિક હતા. વર્ષ ૨૦૧૭ માં તેઓ કામ અર્થે યુ.ઍસ.ઍ. ગયા હોવાથી, તેમણે ઍજન્સીનો વહીવટ સંભાળવા માટે તેમના પતિ પ્રતિક દેસાઈને જનરલ પાવર ઓફ ઍટર્ની આપી હતી. વર્ષ ૨૦૨૧ માં બંને વચ્ચે મતભેદો થતાં કોર્ટ મારફતે છૂટાછેડા થયા હતા. ત્યારબાદ પ્રિયંકાબેનને જાણવા મળ્યું હતું કે, તેમની સંમતિ લીધા વગર તારીખ ૦૫/૦૮/૨૦૨૨ ના રોજ પ્રતિક દેસાઈઍ ઇન્ડસઇન્ડ બેંક વલસાડ શાખામાં પી.જી. ફર્મના પ્રોપ્રાયટર તરીકે પ્રિયંકાબેનના નામ, સરનામા, ફોટોગ્રાફ અને હોદ્દાના સિક્કાનો દુરુપયોગ કર્યો હતો.
પૂર્વ પતિઍ બેંકના ફોર્મમાં પ્રિયંકાબેનની બોગસ સહી કરી, ખોટા દસ્તાવેજોને સાચા તરીકે રજૂ કરીને બેંક ઍકાઉન્ટ ખોલાવી લીધું હતું. આ ખોટા બેંક ઍકાઉન્ટનો ઉપયોગ કરી પ્રતિક દેસાઈઍ જુદા-જુદા સમયે મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવહારો કર્યા હતા. પ્રિયંકાબેન જ્યારે યુ.ઍસ.ઍ. માં હતા, ત્યારે આ ખાતામાંથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી, પેઢીની મૂડી, માલ-સામાનનો નફો અને ગુડવિલની રકમ પોતાના અંગત સ્વાર્થ માટે વાપરી નાખી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોવાનો આક્ષેપ છે. આ મામલે પ્રિયંકાબેન દ્વારા ગત ઍપ્રિલ ૨૦૨૬ માં પ્રતિક દેસાઈને પાવર ઓફ ઍટર્ની રદ કરવાની અને હિસાબ આપવાની કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી. તેમ છતાં પૂર્વ પતિ તરફથી કોઈ ખુલાસો કે હિસાબ ન આપવામાં આવતા વલસાડ સીટી પોલીસ મથકમાં વિશ્વાસઘાત, દસ્તાવેજોમાં છેડછાડ અને છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
